Madhya Gujarat

આણંદમાં અધૂરા રેલવે ઓવરબ્રિજ પુરા કરવા માંગ

પેટલાદ: આણંદ શહેરના વિકાસ સાથે વાહનોની સંખ્યા વધી છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ વકરી છે. બીજી તરફ આ ટ્રાફિક સમસ્યામાં બાધારૂપ રેલવે ફાટકો પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, પેટલાદ અને ભાલેજમાં આ કામગીરી અધૂરી હોવાથી પ્રજાને સુવિધા મળતી નથી. આ અંગે સાંસદે રેલવે વિભાગમાં રજુઆત કરી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા માગણી કરી હતી.

આણંદ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બની રહેલા રેલવે ઓવરબ્રિજની કામગીરી લાંબા સમયથી અધૂરી છોડી દેવામાં આવી છે. શહેરના વઘાસી રોડ, પેટલાદનો ઓવરબ્રિજ, ખંભાતમાં ઓવરબ્રિજના કામ લટકી રહ્યાં છે. આ બાબતોની રજુઆત આવતા સાંસદે રેલવે વિભાગમાં રજુઆત કરી હતી. જેમાં તેઓએ ઓવરબ્રિજની કામગીરી તાત્કાલિક શરૂ કરવા માગણી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પેટલાદમાં એમજીવીસીએલ પાસે એલસી 28 નંબરની ફાટક ઉપર પાંચ વર્ષ અગાઉ ઓવરબ્રિજનું કામ શરૂ થયું હતુ. આ કામ શરૂ થયા બાદ ગણતરીના મહિનાઓમાં કોઈપણ કારણસર સ્થગિત થઈ ગયું હતુ. જેને કારણે શહેર અને તાલુકાની પ્રજા ભારે હાડમારી ભોગવી રહી હતી. આ બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ થાય તે માટે અનેક સંગઠનો અને પ્રજા દ્વારા આવેદનપત્ર અને આંદોલન થકી ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં પેટલાદના ધારાસભ્યએ પણ આ અધુરા બ્રીજને વહેલીતકે પૂર્ણ કરવા રજુઆત કરી હતી.

એજન્સી અધૂરી કામગીરી છોડી જતી રહી છે
આણંદ સાંસદની રજુઆતના પગલે રેલવે વિભાગે જણાવ્યું હતું કે, ભાલેજ ચોકડી પર 2018માં ફાટક નં.11 પર રોડ ઓવરબ્રિજનું કામ મંજુર કરાયું છે. ગુજરાત સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીજીંગ એન્ડ ફાયનાન્સિયલ સર્વિસિસને વાર્ષિક ધોરણે કોન્ટ્રાક્ટર આપ્યો હતો. જોકે, આ એજન્સી નિષ્ફળ રહેતા કામ બંધ કરી દીધું છે. હાલ દસ્તાવેજોની તપાસ કરી બાકીનું કામ આગળ વધારવામાં આવશે. પેટલાદમાં ફાટક નં.28 પર સ્થિત રોડ ઓવર બ્રિજ સહિત રેલવેના ભાગનું નિર્માણ કાર્ય રાજ્ય સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીજીંગ એન્ડ ફાયનાન્સિયલ સર્વિસિસને કામ આપવામાં આવ્યું હતું. પરંતુ કંસેસિયનારની અસફળતાના કારણે જૂન-2018માં કામ બંધ કરી દેવામાં આવ્યું હતું.

આણંદને નવ જેટલી ટ્રેનને સ્ટોપેજ આપવા માગણી
આણંદ શહેરના રેલવે સ્ટેશન ખાતે નવ જેટલી સ્ટોપેજ અંગે સાંસદ દ્વારા રજુઆત કરવામાં આવી છે. જેમાં તેજસ એક્સપ્રેસ, હમસફર ટ્રેન, અમદાવાદ ચેન્નાઇ એક્સપ્રેસ, અમદાવાદ – મુંબઇ, ગુજરાત એક્સપ્રેસ, ગુજરાત ક્વિન, સંકલ્પ પેસેન્જર અને ગરીબ રથનો સમાવેશ થાય છે.

Most Popular

To Top