SURAT

સ્યાદલા ગામની ગૌચર જમીન પર ગેરકાયદે રસ્તો બનાવનારા સામે કાર્યવાહીની માંગ

સુરત જિલ્લાના અબ્રામા તાલુકાના સેગવા સ્યાદલા ગામની સર્વે નંબર 105 વાળી ગૌચર જમીનમાંથી વહીવટી તંત્રની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે પાકા રસ્તાનું નિર્માણ કરવા બાબતે તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવા બાબત ગ્રામજનો દ્વારા માનનીય જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક,ચંદ્રકાંત ભાઇ પટેલ,રમેશભાઈ પટેલ,મુકેશભાઈ પટેલ,સતીશભાઈ પટેલ,ધનસુખભાઈ પટેલ,નગીનભાઈ પટેલ,બ્રિજેશ પટેલ સહિતના ગ્રામજનો હાજર રહ્યા હતા.

ખેડૂત અગ્રણી દર્શન નાયકે કહ્યું કે, અબ્રામા તાલુકાના સેગવા સ્યાદલા ગામમાં સર્વે નંબર 105 વાળી ગૌચર જમીન પર પાકા રસ્તાનું નિર્માણ તંત્રની કોઈપણ પૂર્વ મંજૂરી વિના કરાયું છે, જે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ અને અન્ય સંબંધિત કાયદાઓનું ઉલ્લંઘન છે. આ રોડનો ઉપયોગ બાજુના ગામમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીમાં અવર જવર કરતાં ભારે વાહનો દ્વારા જ કરવામાં આવી રહ્યો છે. આ ભારે વાહનો દ્વારા ગામના રોડ રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે.

આ ગૌચર જમીન સેગવા સ્યાદલા ગામના પશુઓની ચરાઈ માટે જે તે સમયે ફાળવવામાં આવેલી છે અને તેના પર અનધિકૃત પાક્કા રસ્તાનું કરવામાં આવ્યું છે. નિર્માણથી ગામના લોકોને નુકસાન થયું છે. આવું નિર્માણ જમીનના મૂળ હેતુને હાનિ પહોંચાડે છે અને સ્થાનિક લોકો અને પશુપાલકોના હક્કોનું હનન કરે છે.

આ ગેરકાયદેસર નિર્માણ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 441 (અનધિકૃત પ્રવેશ) અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો ગણાય છે, કારણ કે આ જમીન ગૌચર તરીકે નોંધાયેલી છે અને તેનો ઉપયોગ ફક્ત પશુઓની ચરાઈ માટે જ થઈ શકે છે.જેથી આપશ્રી દ્વારા પોલીસ વિભાગે પણ આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવે.

આ ઉપરાંત આપણા ભારત દેશની સર્વોચ્ચ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ગૌચર જમીન ઉપરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે વારંવાર ટકોર કરવામાં આવી છે.

ખેડૂતોની માંગણી

  • આ ગૌચરની જમીન ઉપર વહીવટી તંત્રની મંજૂરી વિના સરકારી નીતિનિયમોનો ભંગ કરી ગેરકાયદેસર રીતે પાક્કો રસ્તો નિર્માણ કરવા બાબતે તાત્કાલિક તપાસ કરાવવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.
  • ગૌચર જમીનને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવા આદેશ આપવામાં આવે.
  • જવાબદાર વ્યક્તિઓ સામે FIR દાખલ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.
    મારી ઉપરોક્ત રજૂઆતને ધ્યાને રાખી સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોના હિતમાં તત્કાલ કાર્યવાહી કરવામાં આવે અને કરેલ કાર્યવાહની અમોને જાણ કરવામાં આવે એવી લાગણી અને માગણી છે.

Most Popular

To Top