સુરતઃ શહેર અને જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટે પાયે ગેર કાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે જેને લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકો આજીવિકા પર અસર થઈ છે.
સુરત શહેર અને જિલ્લાના અનેક ખેડૂત આગેવાનો, જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા છેલ્લાં કેટલાંય વર્ષોથી વારંવાર રજૂઆત કરવા છતાં સુરત જિલ્લાનું વહીવટી તંત્ર આજ દિન સુધી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલ ઝીંગાના તળાવો દૂર કરાવી શક્યા નથી.
આ બાબતે મે.નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં બ્રેકિશ વોટર રિસર્ચ સેન્ટર દ્વારા ઓલપાડ તાલુકામાં ગેરકાયદેસર અને બિનધિકૃત ઝીંગા તળાવો અન્વયે ૧૬/૨૦૨૦ થી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે અન્વયે સરકારી જમીનો ઉપર દબાણ દ્વારા ઊભા કરવામાં આવેલા ઝીંગા તળાવો અન્વયે કલેકટર કચેરી દ્વારા સર્વે કરવામાં આવેલો હતો.
આમ, મોટા ભાગના ગામોમાં સર્વે બાદ જિલ્લા કલેકટર સુરત દ્વારા એફિડેવિટ કરી કોર્ટને જણાવ્યું છે કે સુરત જિલ્લામાં આવેલા મોટા ભાગના અંદાજે ૮૦ ટકા તળાવો ગેરકાયદેસર છે અને જે સરકારી જમીન ઉપર દબાણ કરી બનાવી છે. જે દબાણો આજની તારીખે સ્થળે પર જેમ ના તેમ છે અને ગેરકાયદેસર તળાવોમાં ઝીંગા ઉછેર પ્રવૃતિ ચાલુ છે.
મે. એનજીટી માં ૧૬/૨૦૨૦ થી કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેના તા ૧૨-૧-૨૦૨૨ ના રોજ નાં ચુકાદામાં મે. એનજીટીએ ગેર કાયદેસર તળાવો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેમજ સુરત જિલ્લાના ચોર્યાસી અને મજૂરા તાલુકાના ગેરકાયદેસર તળાવો બાબતે કેસ નંબર ૫૭/૨૦૨૦ મે. એનજીટી પૂણેમાં દાખલ કર્યો હતો. જેમાં ચુકાદો તા ૭-૧૧-૨૦૨૨ ના રોજ આવ્યો હતો. મે. એનજીટીના ચુકાદો હોવા છતાં પણ આજની તારીખે પણ તમામ સરકારી જમીન ઉપર ઝીંગા ઉછેર તળાવોમાં ઝીંગા ઉછેર પ્રવૃતિ ચાલુ છે.
એનજીટીમાં ચાલતા કેસ અન્વયે થયેલા માપણીની જિલ્લા જમીન દફતર વિભાગમાંથી આરટીઆઈ હેઠળ માંગેલી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કુલ ૧૩૪૩.૯ હેક્ટર (૧,૩૪,૩૯,૦૦૦ ચોરસ મીટર) અને સુરત શહેરના ચોર્યાસી- મજુરા તાલુકામાં ગેરકાયદેસર રીતે સરકારી જમીનો પર ચાલતા તળાવોની કુલ સંખ્યા ૫,૬૪૧ અને કૂલ વિસ્તાર ૪,૦૩૯ હેક્ટર છે. સુરત જિલ્લામાં ચોર્યાસી-મજુરા તાલુકામાં એક પણ તળાવ કાયદેસર રીતે મહેસૂલી હુકમથી ફાળવવામાં આવેલી નથી, તેમ છતાં આજે પણ સદરહુ સરકારી જમીનના વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા ઉછેર થઈ રહ્યો છે.
આમ, એનજીટીના ચુકાદા પછી સુરત જિલ્લાનું વહીવટી તંત્ર ફક્ત અમુક જગ્યાઓ પર દેખાડો કરવા ઝીંગા ઉછેરનો સામાન જપ્ત કર્યો હતો અને અમુક જગ્યાએ તળાવોના પાળા બતાવવા ખાતર તોડવાની કાર્યવાહી કરી હતી. જે ભુમાફિયાઓએ પુનઃ સ્થાપિત કરી આજે સ્થળે તળાવો ફરી ચાલુ કરી દીધો છે.
સુરત જિલ્લાના વહીવટી તંર દ્વારા ભૂતકાળમાં અને હાલમાં તદ્દન ખોટી રીતે સીઆરઝેડ વિસ્તારના ભારત સરકારના માન્ય નક્શાઓમાં બતાવેલા વિસ્તારોમાં ઝીંગા તળાવો માટે જમીનો ફાળવી છે. આવી ખોટી રીતે ફાળવેલી જમીનો પર બનેલા ઝીંગા તળાવોને આજની તારીખે રાજ્ય સરકારનું મહેસૂલ વિભાગ ગેરકાયદેસર ગણતું જ નથી.
વળી જે અનેક મંજૂરી આપેલા તળાવો એવા છે કે તેમન દ્વારા કેન્દ્ર સરકારના કોસ્ટલ એકવાકલ્ચર ઓથોરીટીનું લાઈસન્સ લેવામાં આવ્યું નથી અને અનેક ફાળવેલા તળાવોની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા કલેક્ટર પોતે જિલ્લા કક્ષાની સીઆરઝેડ સમિતિના અધ્યક્ષ છે. ગુજરાત સરકારનું મહેસૂલ વિભાગ અને કલેક્ટર ફક્ત એવા જ તળાવોને ગેરકાયદેસર ગણે છે કે જેની જમીન ફાળવણીનો હુકમ જિલ્લા કલેકટર કચેરીમાંથી થઈ નથી. આમ જે કોઈ વિગતો અહી ઉપરોક્ત કેસોમાં દબાણો તરીકે ચિન્હીત કરી છે.
તે ફક્ત અને ફક્ત મહેસૂલી દ્રષ્ટિએ હુકમ વગરના તળાવોની છે. જેમાં સીઆરઝેડ અધિનિયમનો ભંગ કરી જિલ્લા કલેકટરોએ જમીન ફાળવણી હુકમો પર ચાલતા તળાવોનો સમાવેશ થતો નથી. જેની સંખ્યા નોંધપાત્ર છે અને તેમાં રાજકીય દબાણ હેઠળ સીઆરઝેડ ભંગ ગણવામાં આવ્યો નથી.
વળી જિલ્લા કલેક્ટર પોતે જિલ્લા એકવાકલ્ચર સમિતિના અધ્યક્ષ હોવા છતાં અને જાણતા હોવા છતાં કે આ જગ્યાએ ઝીંગા ઉછેર પ્રતિબંધિત છે તો પણ ફિશરીઝ વિભાગના દુર્લક્ષમાં આવી ખોટી ગેરકાયદેસર પદ્ધતિ અપનાવી જમીનો ફાળવે છે અને તેના પર ગેરકાયદેસર રીતે ઝીંગા ઉછેર પ્રવૃતિ ચાલવા દે છે. જે સીઆરઝેડ અધિનિયમ તેમજ કોસ્ટલ એકવાકલ્ચર એક્ટ ૨૦૦૫નો ખૂલેઆમ ભંગ છે. ફિશરીઝ વિભાગ આ બાબતે કાયદાકીય અર્થઘટન ખોટું કરતું આવેલા છે અને વિભાગની મૂક સંમતિથી આ ગેરકાયદેસર પ્રવૃતિ દરિયાકિનારે ધમધમી રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર એ. નાયકે કહ્યું કે, સુરત જિલ્લામાં સુરત જિલ્લા અને શહેરમાં સરકારી જમીન ઉપર બનાવવામાં આવેલ ઝીંગાના તળાવો માટે ડીજીવીસીએલ દ્વારા વીજળીના જે જોડાણ આપવામાં આવેલા છે તે ખોટા અને અધૂરા પુરાવોના આધારે આપવામાં આવેલા છે. જેથી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બનાવવામાં આવેલા ઝીંગાના તળાવો માટે વીજળીનાં જોડાણ આપવામાં ડીજીવીસીએલ અધિકારીઓ દ્વારા સરકારી નીતિનિયમોનો ભંગ કરવામાં આવેલો હોય તો તેની તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે દાખલો બેસે એવી કાર્યવાહી કરવા માગ કરાઈ છે.
નોટિસ બજાવ્યા બાદ કાર્યવાહી થતી નથી
કલેકટર દ્વારા જ્યારે ડે. કલેકટર અને મામલતદારને તાલુકા કક્ષાએ કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે ત્યારે ડે. કલેકટર અને મામલતદાર સહિતનું તાલુકા કક્ષાનું વહીવટી તંત્ર છેલ્લા કેટલાય સમયથી માત્ર ચોમાસાની ઋતુની શરૂઆતમાં નોટિસ બજાવે છે અને ચોમાસાની ઋતુનું બહાનું બતાવી આગળની કાર્યવાહી કરી નથી.
નાયકે કહ્યું કે, વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા માટે સરકારી નિયમ મુજબ જે ઈસમો દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરાયું છે તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે તથા નામદાર એનજીટીના આદેશનું પાલન કરવામાં બેદરકારી દાખવાનાર અધિકારીઓ સામે તપાસ કરી તેમની સામે દાખલો બેસે એવી કાર્યવાહી કરવામાં આવે.