સુરત : સંઘ પ્રદેશ સેલવાસમાં (Selvas) માર્બલના વેપારીઓને માર્બલની સ્લરી કૃષિ ક્ષેત્રમાં ડમ્પ કરતા હોવાનું જણાવી તેઓને નોટિસ મોકલી કાયદાની ગૂંચમાંથી બચવા બ્લેકમેલ (Blackmail) કરી પૈસાની ઉઘરાણી કરતા એક વકીલ (Lawyer) સહિત અન્ય ૩ શખ્સોની પોલીસે ધરપકડ (Arrest) કરી છે.10 નવેમ્બરના રોજ સેલવાસ પોલીસ મથકે ફરિયાદ મળવા પામી હતી કે, પૃથ્વીરાજ અશોકસિંહ રાઠોડ, અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડ તથા વિશાલ કનૈયાલાલ શ્રીમાળી દ્વારા પ્રદેશના માર્બલ વેપારીઓને માર્બલની સ્લરી કૃષિ ક્ષેત્રમાં ડમ્પ કરતા હોવાનું જણાવી તેઓને ધમકાવતા હતા અને તેઓ પર વારંવાર નોટિસ ફટકારી કાયદાની ગુચમાંથી બચવા બ્લેકમેલ કરી મસ્ત મોટી તગડી રકમ વસૂલતા હતા.
પોલીસે આ ખંડણીના કેસમાં રોકડા રૂપિયા 5 લાખ કબજે કર્યા
આ પ્રમાણેની ફરિયાદ સેલવાસ પોલીસ મથકમાં દાખલ થતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી કેસની તપાસ નરોલી આઉટ પોસ્ટના પીએસઆઇ સુરજ રાઉતને સોંપી હતી. જ્યાં પોલીસની ટીમ દ્વારા ખંડણીખોરોને પકડવા માટે એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. અને એક વેપારી પાસેથી રોકડા રૂપિયા 5 લાખ લેતા આરોપી અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા આરોપી પૃથ્વીરાજ અશોકસિંહ રાઠોડ અને વકીલ વિશાલ કનૈયાલાલ શ્રીમાળીની 10 નવેમ્બરના રોજ ધરપકડ કરી સેલવાસ પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અશોક રાઠોડ અગાઉ સેલવાસ પોલીસ મથકે દાખલ થયેલા ફોર્જરીના એક ગુનામાં પણ સામેલ હતો. ત્યારે હાલ તો પોલીસે આ ખંડણીના કેસમાં રોકડા રૂપિયા 5 લાખ કબજે કરી પકડાયેલા આરોપીઓ એ અગાઉ આ રીતે કેટલા વેપારીઓ પાસેથી ખંડણીની વસુલાત કરી છે એ દિશા તરફ તપાસ શરૂ કરી છે.
વાપીના ડુંગરામાં હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ
વાપી : વાપીના ડુંગરામાં નજીવી બાબતે લાકડા ફટકા મારી હત્યા કરવાના બનાવમાં ડુંગરા પોલીસ આરોપી મુન્ના લિંગરાજ મિશ્રાની ધરપકડ કરી છે. વાપી નજીકના ડુંગરા વિસ્તારમાં યુનિક નગર, ગુપ્તાની ચાલ રૂમ નં.26માં ધનોજ દ્વારિકા પ્રસાદ તેના પરિવાર સાથે રહે છે. ગત 6/11 રવિવારે સાંજે ધનોજનો નાનો છોકરો અને બીજા આસપાસના બીજા બાળકો ચાલમાં સાથે રમતા હતા. બાળકોના કોલાહલ અને ઘોંઘાટને પગલે આજ ચાલમાં રૂમ નં. 28માં રહેતો પડોશી યુવાન મુન્ના લિંગરાજ મિશ્રા (ઉવ.30) આવેશમાં આવી ગયો હતો. તે બાળકોને અહીં રમવાનું નહીં, કહી પડોશમાં રહેતા ધનોજના ઘરમાં ઘૂસી ગયો હતો. જ્યાં તેનો છોકરો ધમાલ મસ્તી કરે છે, તેવું કહેવા લાગ્યો હતો. ધનોજ અને મુન્ના મિશ્રા વચ્ચે છોકરાઓની રમત બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં મુન્ના મિશ્રાએ આવેશમાં આવી ધનોજને માથાના ભાગે લાકડાના ફટકા ઉપરા છાપરી મારી દીધા હતા. જેને પગલે ધનોજને માથાના ભાગે ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું. આ બનાવમાં ડુંગરા પોલીસે આરોપી મુન્ના લિંગરાજ મિશ્રાની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.