લોકો હવે મોટે ભાગે ઓનલાઈન ખરીદી કરતા થયા છે, ત્યારે કેટલીકવાર તેઓ છેતરપિંડીનો પણ ભોગ બનતા હોય છે. જાણીતી ઓનલાઈન શોપિંગ પોર્ટલ પરથી મોંઘી ચીજોનો ઓર્ડર કરવો ક્યારેક મોંઘો પડતો હોય છે. કેટલીવાર તો કંપનીના માણસો કે ડિલીવરી બોય જ ભળતી જ ચીજો ડિલીવર કરીને સ્કેમ ચલાવતા હોય છે. આવા જ એક સ્કેમનો પર્દાફાશ સુરતમાં થયો છે.
સુરત શહેરની અઠવાલાઈન્સ પોલીસે કુરિયરમાંથી મોંઘી ચીજો ચોરી લેતા ડિલીવરી બોયની ધરપડ કરી છે. એમેઝોન કુરિયરના પાર્સલમાંથી મોબાઈલ ફોન અને ટેબ્લેટ જેવી મોંઘી ચીજો ચોરી લેતા 3 ડિલીવરી બોય સહિત કુલ 4ને પકડી મોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીઓ પાસેથી પોલીસે કુલ 2.32 લાખની કિંમતના 11 મોબાઈલ ફોન અને ટેબ્લેટ તેમજ એક ટેમ્પો કબ્જે કર્યો છે.
ફરિયાદી રાજેશ બ્રીજ બિહારી અગ્રવાલ નાનપુરામાં કરંટ સિસ્ટમ્સના નામે મોબાઈલનું વેચાણ કરે છે. ગઈ તા. 17 એપ્રિલથી 31 મે દરમિયાન કુલ 109 મોબાઈ અને ટેબ્લેટના અલગ અલગ પાર્સલ રાજેશ અગ્રવાલે એમેઝોન કુરિયર મારફતે એમેઝોન સેન્ટર પર મોકલ્યા હતા, પરંતુ તેમાંથી માત્ર 95 મોબાઈલ જ સેન્ટર સુધી પહોંચ્યા હતા. જ્યારે 14 મોબાઈલ, ટેબ્લેટ ચોરાઈ ગયા હતા.
તપાસ કરતા જાણવા મળ્યું કે ચોરીનું નેટવર્ક ચલાવનાર માસ્ટર માઈન્ડ મુખ્ય આરોપી મોહંમદ અલ્તાફ ગુલામ હુસેન શેખ (ઉં.વ. 49) છે. તે ખાનગી નોકરી કરે છે. એમેઝોન કુરિયર સર્વિસમાં કામર કરતા ડિલીવરી બોયની સાંઠગાંઠમાં તે ચોરીનું નેટવર્ક ચલાવતો હતો.
આરોપીઓ મોંઘા ફોન, ટેબ્લેટ હોય તેવા પાર્સલને ટાર્ગેટ કરતા. કુરિયર ડિલીવરી ચેઈનમાં હોવાથી તેમને કિંમત વસ્તુના પાર્સલની જાણકારી રહેતી હતી. એક લોકેશન પરથી બીજા લોકેશન પર કુરિયર ટ્રાન્સપોર્ટ થતું હોય ત્યારે કાળજીપુર્વક પાર્સલને ખોલી તેમાંથી સામાન તફડાવી લેતા હતા. ત્યાર બાદ ફરી પાર્સલને પેક કરી દેતા. તેથી કોઈને ખબર પડતી નહોતી.
બાદમાં તે ચીજોને સસ્તા ભાવે બજારમાં વેચી દેતા હતા. મોહંમદ શેખ નાનપુરા જલારામ દાણાચણાની દુકાન પાસે ચોરીના મોબાઈલ ફોન સાથે ઉભો હોવાની બાતમી મળતા પોલીસે તેને પકડ્યો હતો. તેની પાસેથી 1.01 લાખની કિંમતના 5 મોબાઈલ મળ્યા હતા.
તેની પૂછપરછમાં તેના સાથીદારો ડિલીવરી બોય એવા ભૌતિક કાશીનાથ મિસ્ત્રી (ઉં.વ.20), આયુષ રણજીતભાઈ પટેલ (ઉં.વ.20) અને સલમાન સુલેમાન શેખ (ઉં.વ.23)ના નામ ખુલ્યા હતા. પોલીસે તરત ત્રણેયને પકડી લઈ ચોરીનો માલ કબ્જે લીધો હતો. ત્રણે પાસેથી કુલ 2.92 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.