સુરત: (Surat) સુરત શહેરમાં છેતરપિંડીના કેસો વધી રહ્યા છે ત્યારે વધુ એક છેતરપિંડીનો કેસ સામે આવ્યો હતો. શહેરનાં પૂણાગામ ખાતે આવેલી એક્સ્પ્રેસબ્રિઝ કુરીયર કંપનીમાં (Courier Company) ત્રણ યુવકોએ નોકરીએ જોડાઈ એક જ અઠવાડિયામાં 4.19 લાખના પાર્સલ બારોબાર વેચી દઈ છેતરપિંડી આચરી હતી. જેને પગલે પુણા પોલીસ (Police) સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
- પૂણાગામની કંપનીમાં નોકરીએ જોડાઈ એક જ અઠવાડિયામાં યુવકોએ પાર્સલ વેચી દઈ છેતરપિંડી કરતા ફરિયાદ
- કંપનીના ઓફિસ ઇન્ચાર્જે સેલરોને ફોન કરીને પુછતા પાર્સલ મળ્યા ન હોવાનું સામે આવતા ભાંડો ફૂટ્યો
પુણા પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવાગામ ડિંડોલી ખાતે જય ગાયત્રીનગરમાં રહેતા 30 વર્ષીય સાગર ગોરખનાથ આહિરે પુણાગામ ઓરબીટ વન કોમ્પલેક્ષની સામે ગાંધીનગર ફળીયામાં આવેલી એક્સ્પ્રેસબ્રિઝ કુરીયર કંપનીમાં સિનિયર રિક્રુટર તરીકે નોકરી કરે છે. સાગરે પુણા પોલીસ સ્ટેશનમાં સૈયદ અઝીમ સૈયદ જલીલ (રહે. પ્રતાપ નગર, મદીના મસ્જીદ પાસે, લિંબાયત), વસીમ ખાન અસ્લમ ખાન (રહે. મારુતી નગર, લિંબાયત) તથા અરબાઝ ખાન જાબેર ખાન (રહે. પ્રતાપ નગર, લિંબાયત) સામે ફરિયાદ દાખલ કરાવી છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, 22 જાન્યુઆરીએ સવારે તેમની ઓફિસ પર સૈયદ અઝીમ સૈયદ જલીલ નોકરી માટે આવ્યો હતો. કંપનીમાં ડીલીવરી બોય તરીકે તેને રાખી લેતા બપોરે તે તેના અન્ય એક મિત્ર વસીમ ખાનને નોકરીની જરૂર હોવાનું કહી લઈ આવ્યો હતો. જેથી બંનેને નોકરી પર રાખ્યા બાદ ઓફીસ ઇન્ચાર્જ દિપક પાટીલ અને ઓફીસ કલ્સ્ટર મેનેજર હેમંત સોનવણેએ સૈયદ અઝીમને 22 જાન્યુઆરીએ 80 પાર્સલ જેની કિમત 73,110 ડીલીવરી કરવા આપ્યા હતા. અને વસીમ ખાનને મદદમાં મોકલ્યો હતો.
એક બે દિવસ પછી તેઓ અરબાઝ ખાનને પણ નોકરીની જરૂર હોવાનું કહીને લઈ આવ્યા હતા. ત્યારબાદ ત્રણેયને 27 જાન્યુઆરી સુધીમાં 4,19,783 રૂપિયાની કિમતના કુલ 379 પાર્સલો વેચી દીધા હતા. દિપક પાટીલે સેલરોને ત્યાં ફોન કરી પાર્સલ મળી ગયું છે કે નહીં પુછતા પાર્સલ આવ્યું ન હોવાનું કહ્યું હતું. જેથી અન્ય સેલરોને ફોન કરીને પુછતા કોઈને પાર્સલ મળ્યા નહોતા. ત્રણેય ડિલીવરી બોયને બોલાવીને પુછતા તેમને પાર્સલ વેચી દીધા હોવાનું તથા કેટલાક ઘરે પડેલા હોવાનું કહેતા ત્રણેય સામે પૂણા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે.