ગઇ સદી એ રીતે આ દેશના સંસ્કારને સમૃધ્ધ કરનારી હતી કે એક તરફ ગાંધીજી છે તો બીજી તરફ રવીન્દ્રનાથ ટાગોર છે. ગુજરાતે આ બેઉના પ્રભાવે પોતાનું રૂપાંતરણ ઝંખેલુ અને તેના ઉદાહરણો અનેક છે. એક ઉદાહરણ કનુ દેસાઇ. ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં ભણતા ભણતા આચાર્ય કૃપલાણીએ ચીંધેલી દિશાને કારણે તેઓ શાંતિનિકેતન પહોંચ્યા. ગાંધીજીએ ટાગોર પર ચિઠ્ઠી લખી આપેલી અને એ ચિઠ્ઠી પછી કનુ દેસાઇ નંદલાલ બોઝના શિષ્ય થયા. અહીં રવિશંકર રાવળ પાસે અને ત્યાં નંદલાલ બોઝ પાસે દીક્ષા પામેલા કનુ દેસાઇ પ્રબળ વેગે આખા ગુજરાતમાં છવાઇ ગયા.
એક સમયે રાજા રવિ વર્માના ચિત્રો આખા દેશનાં સંસ્કારજીવનમાં ભળી ગયેલા તેવું જ કનુ દેસાઇનાં ચિત્રો વિશે કહી શકો. તેમના ચિત્રોનાં આલબમો લગ્નપ્રસંગે ભેટ અપાતા. તેમણે કંકોત્રીઓ પર પણ પોતાની રંગ-રેખાને આકારી મંગલમય સાથે કલામય બનાવી. ગાંધીજી અને ગાંધી કેન્દ્રી પ્રસંગના અઢળક ચિત્રો કર્યા. એ સમય એવો હતો કે સેંકડો પુસ્તકોનાં મુખપૃષ્ઠ કનુ દેસાઇનાં જ હોય. કનુ દેસાઇ ખાસ અર્થમાં લોકજીવન અને સંસ્કારનાં ચિત્રકાર હતા. સિનેમા રસિકોનો એક વર્ગ તેમને ‘ભરત મિલાપ’, ‘રામ રાજય’, ‘બૈજુ બાવરા’થી માંડી ‘ઝનક ઝનક પાયલ બાજે’, ‘નવરંગ’, ‘ગીત ગાયા પથ્થરોને’ ઉપરાંત ‘ગુંજ ઉઠી શહનાઇ’, ‘હરિયાલી ઔર રાસ્તા’, ‘હિમાલય કી ગોદ મેં’ અને કેટલીક ગુજરાતી ફિલ્મોના કલા નિર્દેશક તરીકે પણ ઓળખે છે.
દાંડીકૂચ વેળા ગાંધીજી સાથે ચિત્રકાર તરીકે સાથે રહેનારા કનુ દેસાઇએ ગાંધી શતાબ્દી વેળા ગાંધીજીના જીવન પ્રસંગોને આવરી લઇ રેલવે માટે બે ટ્રેઇનને સંપૂર્ણપણે સુશોભિત કરેલી. આ ટ્રેઇન દેશભરમાં ફરી અને લાખો લોકોએ એ ફરતું પ્રદર્શન જોયું. આવા મોબાઇલ એકિઝબીશન બહુ ઓછા ચિત્રકારોનાં ભાગ્યમાં હોય છે. કનુ દેસાઇના જીવન માટે નિર્ણાયક વ્યકિતત્વોમાં રવિશંકર રાવળ, નંદલાલ બોઝ તેમ મહાત્મા ગાંધી, એટલે કોંગ્રેસના કેટલાંય અધિવેશનોને તેમણે શણગાર્યા છે.
તમે કહી શકો કે સમાજના દરેક વર્ગમાં ચિત્રકળાનો આટલો પ્રવેશ કયારેક જ શકય બને છે. હમણાં ‘કલાતીર્થ’ સંસ્થા વડે ‘રંગરેખાના કલાધર: કનુ દેસાઇ’ નામનો સચિત્ર ગ્રંથ પ્રગટ થયો છે. ચિત્રકાર, કલા પ્રવાહોના અભ્યાસી કનુ પટેલે સંપાદિત કરેલા આ ગ્રંથમાં જાણે કનુ દેસાઇ નિમીત્તે આઝાદી પછીના કેટલાંક દાયકાનો સમય વાચક સામે જીવંત થઇ ઉઠયો છે. એ એવો સમય છે કે જેમાં ગુજરાતીઓના સંસ્કાર, કળારસ વિશે ગૌરવ લેવાનું મન થાય અને ગાંધીજીના પ્રભાવે જે રાજકીય સંસ્કૃતિ પણ પોતાને કળામય રીતે જાહેરમાં પ્રગટ કરવા મથતી તે માટે દાદ દેવાનું મન થાય.
સંપાદક કનુ પટેલે કુલ પાંચ અધ્યાયમાં કનુ દેસાઇના જીવન અને કાર્યને વિવિધ ભૂમિકા સાથે આલેખી આપવાનું સંયોજયું છે. પહેલાં અધ્યાયમાં કનુ દેસાઇનું જીવન વૃત્તાંત અને કલાવૃત્તાંત, બીજામાં કનુ દેસાઇનાં કલા વિચાર, ત્રીજામાં કનુ દેસાઇની ચિત્ર સૃષ્ટિ હેઠળ અનેક વ્રત ચિત્રાવલીનાં રેખાંકનો, દાંડીયાત્રા, કોંગ્રેસ અધિવેશનનાં ચિત્રો, તસવીરો, ચોથા અધ્યાયમાં કનુ દેસાઇના સમયનાં સાહિત્ય, કળા ક્ષેત્રના કેટલાંક જાણીતાં વ્યકિતઓ વડે અંકાયેલા સંસ્મરણ, પાંચમા અધ્યાયમાં કનુ દેસાઇનાં ચિત્ર સંપુટ અને અન્ય ચિત્રો અને છઠ્ઠા અધ્યાયમાં કનુ દેસાઇની એ કલાકૃતિઓ જે સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટસમાં સંગ્રહિત છે. 344 પૃષ્ઠમાંથી પસાર થતા અનુભવાશે કે કનુ દેસાઇની ચિત્રકાર તરીકેની પ્રતિભાના કેટલાં અને કેવાં પડાવો હતા. આજે સુશોભન કળાનું લોકોમાં મહાત્મય જરૂર છે પણ તેને તો બજારે કબજે કરી લીધું છે અને ચિત્રકારો સુશોભન કળાથી દૂર રહે છે ત્યારે કનુ દેસાઇ વિશેનો આ ગ્રંથ લોકમનમાં એક જૂદો સંદર્ભ જગાડશે. રાજા રવિ વર્મા, રવિશંકર રાવળ, કનુ દેસાઇથી માંડી કેટલાંક લોકચિત્ર શૈલીના ચિત્રકારો કેમ સમાજનો આદર પામ્યા તે પણ સમજાશે.
કનુ પટેલનું સંપાદકીય વલણ કનુ દેસાઇના કાર્ય અને શૈલીનાં મૂલ્યાંકનનું નથી એટલે ઉપલબ્ધ સામગ્રીના સંકલનની છે. સલિલ દલાલ પાસે કનુ દેસાઇના સિનેમા જગત વિશે વિગતે આલેખ કરાવ્યો છે. અલબત્ત, સંપાદકનું વલણ દસ્તાવેજી સ્તરની કાળજી ભર્યું છે અને જે ચિત્રો સમાવાયા છે તે તો કનુ દેસાઇના કાર્યને જાણે પુર્નજીવિત કરે છે. યશવંત દોશી એક લેખના આરંભે નોંધે છે કે ગુજરાતીઓને ચિત્રકલા તરફ અભિમુખ કરવામાં જો કોઇ એક વ્યકિતનો મોટામાં મોટો ફાળો હોય તો તે સ્વ. કનુ દેસાઇનો. આ વિધાનની પ્રતીતિ પુસ્તકમાંથી પસાર થતાં સહુને થશે. તેઓ લોકરંજક હતા અને તેમાં જ તેમનો વિશેષ પણ છે. કનુ દેસાઇએ ‘મંગલાષ્ટક’ ચિત્ર સંપુટ પ્રગટ કરેલો તો અન્ય વિષયના પણ છે. આજે આપણને આનંદ થાય કે જે અશોક સ્તંભ આપણું રાષ્ટ્રીય ચિન્હ છે. તેના ત્રણ સિંહ મુખનું સંજ્ઞા ચિત્ર સૌ પ્રથમ કનુભાઇએ બનાવ્યું હતું. વિજય ભટ્ટ અને વ્હી. શાંતારામના તેઓ પ્રિતીપાત્ર કલા નિર્દેશક રહ્યા છે. એવા કલા નિર્દેશન પહેલાં તેઓ થોડાં નાટકોના સન્નિવેશ બનાવી ચુકયા હતા.
કનુ દેસાઇ કે જે મૂળ ભરૂચના હતા તેનું સ્મરણ કરાવી ગુજરાતની ચિત્રકળા ક્ષેત્રના એક મહત્વના પડાવને આંખ સામે સંપડાવી આપવા માટે ‘કલાતીર્થ’ને બિરદાવવું જોઇએ. આ એક વારસાને સાચવવાનુ કામ છે. ચિત્રકારોની નવી પેઢીએ પણ વિચારવું જોઇએ કે કનુ દેસાઇ કઇ કઇ રીતે ઘરે ઘર પહોંચી શકયા. તેમની શૈલી, તેમના વિષયોમાંથી ફરી પસાર થવું જોઇએ. કનુ પટેલ જેવા ચિત્રકાર એક અભ્યાસી, સંશોધક તરીકે આ ગ્રંથમાં ઉપસે છે. કનુ દેસાઇ પર શાંતિનિકેતન સ્કૂલનો પ્રભાવ હતો પણ એ નિમિત્તે જ ગુજરાતનું જીવન અહીં આપણો વારસો બને એ રીતે અંકિત થયું છે.
કનુ દેસાઇ વિશેના આ સંપાદનમાં એ બધાને જ રસ પડશે જેઓ ગુજરાત અને ભારતીય જીવનના ગાંધી યુગ અને પ્રશિષ્ટ સાહિત્યમાં રસ ધરાવે છે. સુરતનાં વાસુદેવ સ્માર્તની કાર્ય શૈલીનું સ્મરણ પણ અહીં થશે. કનુ દેસાઇનો પ્રભાવ કેટલો વ્યાપક હતો અને સામાન્ય ગૃહિણી યા ચિત્ર કળાનો આરંભ કરનારાને પણ પ્રોત્સાહિત કરતો હતો તેવું સ્મરણ આનંદ આપશે. ‘કલાતીર્થ’નાં કલાગંગોત્રી ગ્રંથ-2’ માટે રમણીક ઝાપડિયાની ઝૂઝારુ કાર્યશૈલી અને દૃષ્ટિ સાથેના પ્રકાશન કાર્યને બિરદાવવું જોઇએ. ગુજરાતની ચિત્રકળા ક્ષેત્રે તેમણે ગ્રંથ સ્વરૂપે શ્રેણીબધ્ધ રીતે જે કાર્ય કર્યું છે તે અનન્ય પૂરવાર થયું છે. તેઓ આ પ્રકારના કાર્ય કરતા રહે છે તેનાથી આપણું સાંસ્કૃતિક જીવન વધુ સમૃધ્ધ થયું છે.
– બકુલ ટેલર