IPLની 8મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પાંચ વખતના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટથી હરાવ્યું. આ DCનો સતત બીજો વિજય છે. શનિવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મુંબઈએ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને કુલ 162 રન બનાવ્યા. દિલ્હીએ 163 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 4 વિકેટ ગુમાવીને 18.1 ઓવરમાં જીત મેળવી.
દિલ્હી માટે ‘ઈમ્પેક્ટ પ્લેયર’ સમીર રિઝવીએ અડધી સદી ફટકારી. તેણે 51 બોલમાં 90 રન બનાવ્યા. આ સિઝન અને IPLમાં તેની સતત બીજી અડધી સદી છે. તેના સિવાય પથુમ નિસાન્કાએ 44 રનનું યોગદાન આપ્યું જ્યારે ડેવિડ મિલરે અણનમ 21 રન બનાવ્યા. મુંબઈ તરફથી દીપક ચહર, કોર્બિન બોશ અને મિશેલ સેન્ટનરે એક-એક વિકેટ લીધી. આ દરમિયાન નીતિશ રાણાને જસપ્રીત બુમરાહ દ્વારા રન આઉટ કરવામાં આવ્યો.
મેચની શરૂઆતમાં MI ના સ્ટેન્ડ-ઇન કેપ્ટન સૂર્યકુમાર યાદવે અડધી સદી (51 રન) ફટકારી. તેમને ટેકો આપતા રોહિત શર્માએ 35 રન, નમન ધીરે 28 રન અને મિશેલ સેન્ટનરે 18 રન બનાવીને અણનમ રહ્યા. DC તરફથી મુકેશ કુમારે 2 વિકેટ લીધી જ્યારે અક્ષર પટેલ, લુંગી ન્ગીડી, વિપ્રજ નિગમ અને ટી. નટરાજને એક-એક વિકેટ લીધી.
મુંબઈ ઈન્ડિયન્સના નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા આજની મેચમાં રમ્યા ન હતા. ટોસ સમયે સૂર્યકુમાર યાદવે ખુલાસો કર્યો કે હાર્દિક સંપૂર્ણપણે ફિટ નથી અને તેથી તે ટીમની જવાબદારી સંભાળી રહ્યો છે.