National

દિલ્હી પોલીસે નૂપુર શર્મા, નવિન જિંદલ, ઓવૈસી સહિત 11થી વધુ લોકો સામે FIR નોંધી

નવી દિલ્હીઃ ભાજપના (BJP) બે પ્રવકતા નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદલ દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલી ટિપ્પણીનો વિવાદ હજુ સુઘી શાંત થયો નથી. છેલ્લા ઘણા દિવસોથી આ મુદ્દો મેઈનસ્ટ્રીમથી લઈને સોશિયલ મીડિયા (Social Media) સુધી ચર્ચામાં છે. દરમિયાન દિલ્હી પોલીસે (Delhi Police) વાંધાજનક નિવેદનો અથવા સોશિયલ મીડિયા પોસ્ટને લઈને કડક વલણ અપનાવ્યું છે. પોલીસે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી, યતિ નરસિમ્હાનંદ, નૂપુર શર્મા, નવીન જિંદલ, પીસ પાર્ટીના શાદાબ ચૌહાણ, પત્રકાર સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુર રહેમાન, પૂજા પાંડેય સહિત અનેક લોકો સામે ઉશ્કેરણીજનક નિવેદનો આપવા બદલ FIR નોંધી છે. દિલ્હી પોલીસે લોકોને ચેતવણી આપી છે કે તેઓ ઉશ્કેરણીજનક નિવેદનો અથવા પોસ્ટ (Post) કરવાથી દૂર રહે અને સાવચેત રહે.

મૌલાના મુફ્તી નદીમનું ભડકાઉ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. વાયરલ વીડિયોમાં તેઓ કહી રહ્યાં છે કે જો કોઈ પણ તેઓના ધર્મ વિરુદ્ધ બોલશે તો તેની જીભ કાપી નાખવામાં આવશે, જો તે તેની આંખો બતાવશે તો તેની આંખો બહાર કાઢી નાંખવામાં આવશે, જો તે આંગળી બતાવશે તો તેની આંગળી કાપી નાખવામાં આવશે. તે જ રીતે હિન્દુ મહાસભાના પૂજા શકુન પાંડે પણ ઉશ્કેરણીજનક નિવેદનો કરવા માટે જાણીતા છે. તાજેતરમાં પાંડેએ 5 જૂને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને એક પત્ર લખીને શુક્રવારની પ્રાર્થનાને હિંદુ વિરોધી ગણાવીને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

નૂપુરના મોહમ્મદ પયંગબર વિરુદ્ઘ કરેલી ટિપ્પ્ણી પછી લોકો તેની સામે વિરોધ વ્યકત કરી તેની અને અને નવીન જિંદલની ધરપકડની માંગણી કરી રહ્યા છે તો ઘણા લોકો ખુલ્લેઆમ તેમનું સમર્થન કરી રહ્યા છે. દરમિયાન દિલ્હી પોલીસે લોકોને ચેતવણી આપી છે કે તેઓ ઉશ્કેરણીજનક નિવેદનો અથવા પોસ્ટિંગ કરવાથી દૂર રહે અને સાવચેત રહે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “જાહેર શાંતિનો ભંગ કરવા અને લોકોને ઉશ્કેરવા વિરુદ્ધ સંદેશાઓ પોસ્ટ અને સ્ટોરી શેર કરનારાઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે.” ભારતીય દંડ સંહિતાની કલમ 153, 295 અને 505 હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે બે અલગ-અલગ FIR નોંધવામાં આવી છે. એક કેસ નૂપુર શર્મા વિરુદ્ધ અને બીજો કેસ ઓવૈસી, જિંદાલ, નરસિમ્હાનંદ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુર રહેમાન અને ગુલઝાર અંસારી સહિત અન્ય લોકો વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે.

Most Popular

To Top