સુરત: (Surat) આશરે એક લાખ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલો દેશનો પ્રથમ સૌથી લાંબો દિલ્હી-મુંબઈ ગ્રીન એકસપ્રેસ વે (Delhi-Mumbai Green Express Way) ગુજરાતની પ્રગતિ માટે ઘણો ફાયદાકારક સાબિત થશે. રાજકીય રાજધાની દિલ્હીથી છેક આર્થિક રાજધાની મુંબઈને જોડતો આ એક્સપ્રેસ વે 1350 કિ.મી.નો છે પરંતુ તેમાંથી 423 કિ.મી. હાઈવે ગુજરાતમાંથી પસાર થતો હોવાને કારણે તેનો વિશેષ ફાયદો ગુજરાતીઓને થશે. સંભવત: આગામી ત્રણેક માસમાં ગુજરાતમાં આ એક્સપ્રેસ વે કાર્યરત થઈ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વતનીઓને આ એક્સપ્રેસ વે મારફતે મુંબઈ કે અમદાવાદ જવું વધુ સરળ બની જશે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ આ એક્સપ્રેસ વે તૈયાર કરવામાં આવી રહ્યો છે. મોટાભાગે ખેતરોમાંથી પસાર થતા આ એક્સપ્રેસ વેને આ કારણે જ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે નામ આપવામાં આવ્યું છે. દિલ્હીથી શરૂ કરીને આ એક્સપ્રેસ વે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર મળીને પાંચ રાજ્યોમાંથી પસાર થશે. જેમાં ખાસ કરીને જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરો આ એક્સપ્રેસ વે મારફત જોડાશે. ગુજરાત ઉપરાંત આ એક્સપ્રેસ વે હરિયાણામાં 80 કિ.મી., રાજસ્થાનમાંથી 380 કિ.મી., મધ્યપ્રદેશમાંથી 370 કિ.મી., મહારાષ્ટ્રૂમાંથી 120 કિ.મી. જેટલો પસાર થશે. આ એક્સપ્રેસ વે પર ગોધરાથી શરૂ કરીને છેક અંકલેશ્વર સુધીનું કામ લગભગ પુરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે અંકલેશ્વરથી કિમ અને ત્યાંથી એના થઈને મુંબઈ સુધીની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.
- કેટલા લાંબો: 1380 કિ.મી.
- ખર્ચ: 98000 કરોડ
- લેન: 8, ભવિષ્યમાં: 12 લેન
- વધુમાં વધુ ઝડપ: 120 કિ.મી.
- દિલ્હી: 9 કિ.મી.
- હરિયાણા: 80 કિ.મી.
- રાજસ્થાન: 380 કિ.મી
- મધ્યપ્રદેશ: 370 કિ.મી.
- ગુજરાત: 423 કિ.મી.
- મહારાષ્ટ્ર: 120 કિ.મી.
- દિલ્હી-મુંબઈ સમય: 12 કલાક
- રોડ સાઈડ સુવિધા: 33
- મોટા બ્રિજ: 60
- ઈન્ટરચેન્જ: 17
- ફ્લાય ઓવર બ્રિજ: 17
- રેલવે ઓવર બ્રિજ: 8
આ એક્સપ્રેસ વે કયા કયા એક્સપ્રેસ વે સાથે જોડાશે
આ એક્સપ્રેસ વે દિલ્હીથી શરૂ કરીને દિલ્હી નોઈડા ફ્લાયવે, દિલ્હી કુંડલી-પલવલ એક્સપ્રેસ વે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે અને મુંબઈ-પૂને એક્સપ્રેસ વેને જોડશે એટલે કે આ એક્સપ્રેસ વેનો ઉપયોગ કરીને આ તમામ એક્સપ્રેસ વે પર વાહનચાલકો જઈ શકશે.
સૌરાષ્ટ્રવાસી, દક્ષિણ ગુજરાતવાસી, વડોદરા અને અમદાવાદવાસીઓ ક્યાંથી આ એક્સપ્રેસ વે પર જઈ શકશે?
- એક્સપ્રેસ વે ગુજરાતમાં દાહોદ જિલ્લાના છાયણ ગામથી પ્રવેશ લેશે
- ગુજરાતમાં પ્રથમ ઈન્ટરચેન્જ દાહોદમાં અપાશે
- બીજું ઈન્ટરચેન્જ ગોધરામાં અપાશે
- વડોદરા જિલ્લાના દોડકા ગામ પાસેથી આ એક્સપ્રેસ વે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે સાથે જોડાશે
- એનએચ-48 અને એનએચ-64 માટે એક્સપ્રેસ વેનું ઈન્ટરચેન્જ વડોદરા જિલ્લાના નંદેસરી નજીક ફાજલપુર ગામ ખાતે હશે.
- વડોદરાવાસીઓ વડોદરા-પાદરા રોડ પર સમિયાણા અને લક્ષ્મીપુરા ગામ પાસેથી આ એક્સપ્રેસ વે પર જઈ શકાશે
- ભરૂચવાસીઓ ભરૂચના દહેગામ પાસેથી એક્સપ્રેસ વે પર જઈ શકશે
- સુરત અને દક્ષિણ ગુજરાતના લોકો અમદાવાદ તરફ જવા માટે કીમના મોટી નરોલી ગામ પાસેથી એક્સપ્રેસ વે પર જઈ શકશે
- સુરતવાસીઓ મુંબઈ તરફ જવા માટે બારડોલી અને પલસાણા વચ્ચેના એના ગામ પાસેથી એક્સપ્રેસ વે પર જઈ શકશે
- દ.ગુ.ના લોકો મુંબઈ જવા માટે નવસારીના પૂર્વમાં અને વલસાડના પૂર્વમાં ઈન્ટરચેન્જથી જોડાશે
એક્સપ્રેસ વેનો ગુજરાતમાં ખર્ચ 35 હજાર કરોડ, 60 મોટા બ્રિજ બનાવાશે
ગુજરાતમાં 423 કિલોમીટરનો એક્સપ્રેસ વે કુલ રૂ.35,100 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, જેમાંથી 390 કિમીના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને બાકીનું પેકેજ ટૂંક સમયમાં આપવામાં આવશે. ગુજરાત દેશનું મોટું આર્થિક કેન્દ્ર છે. દાહોદ, લીમખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ સહિત અન્ય શહેરોને કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્યભરમાં અનેક ઇન્ટરચેન્જની યોજના છે. આ એક્સપ્રેસ વે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે દ્વારા રાજ્યની રાજધાની સાથે પણ જોડાશે. ગુજરાતમાં 60 મોટા પુલ, 17 ઇન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર અને 8 આર.ઓ.બી બનશે.
આ એક્સપ્રેસ વે ને ઈ-હાઈવે તરીકે વિકસાવાશે, વાહનો 120 કિ.મી.ની ઝડપે દોડી શકશે
આ એક્સપ્રેસ વેને ઈ-હાઈવે તરીકે વિકસાવવામાં આવશે. એટલે કે ઈલેક્ટ્રિક હાઈવે તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. આ હાઈવે પર ટ્રક અને બસ 120 કિમી/કલાકની ઝડપે દોડી શકશે. જેને કારણે લોજિસ્ટિક્સ ખર્ચમાં 70% ઘટાડો થશે. આ એક્સપ્રેસ વે પર ઈલેકટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનો હશે. કારણ કે ભારે વાહનો ડીઝલને બદલે વીજળી પર ચાલશે. 8 લેનના એક્સપ્રેસ વેમાં ઇલેક્ટ્રિક વાહનો માટે 4 લેન અલગથી હશે.
એક્સપ્રેસ વે ની સાઈડ પર કુલ 20 લાખ વૃક્ષોનું આવરણ બનાવાશે
આ એક્સપ્રેસ વે ને યુનિક ડિઝાઈન આપવામાં આવશે અને આ એક્સપ્રેસ વે ને ગ્રીન કોરિડોર પણ કહી શકાશે. કારણ કે, આ એક્સપ્રેસ વે ની બંને બાજુ મળી કુલ 20 લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરાયું છે. દર 500 મીટરના અંતરે વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ સાથે સમગ્ર વિસ્તાર સાથે ટપક સિંચાઈથી પાણી અપાશે. એક્સપ્રેસ વેને રાજ્યના ગ્રીન અને સૌર ઊર્જાનો ઉપયોગ કરીને બનાવાશે.
ભરૂચની નર્મદા નદી પર એક્સપ્રેસ વે માટે 8 લેનનો આઈકોનિક બ્રિજ બનાવાયો છે
આ એક્સપ્રેસ વેમાં બે કિ.મી લાંબો એકસ્ટ્રાડોઝ કેબલ સ્પાન બ્રિજ, ભરૂચ નજીક નર્મદા નદી પર એક આઇકોનિક બ્રિજ એક્સપ્રેસ વે પર બાંધવામાં આવતો ભારતનો પ્રથમ 8-લેન પુલ હશે. જે આઈકોનિક બ્રીજ હશે. ગુજરાત રાજ્યમાં આ કોરિડોરની મુખ્ય વિશેષતા એ છે કે દિલ્હી-વડોદરા વિભાગમાં મજબુત ડિઝાઇન સાથે આબોહવાની પરિસ્થિતિઓના આધારે વડોદરા-મુંબઈ વિભાગ માટે કોંક્રિટ પેવમેન્ટ ડિઝાઇન કરવામાં આવી છે.
આ એક્સપ્રેસ વે પર સુરતથી અમદાવાદ માત્ર 3 જ કલાકમાં પહોંચી જવાશે
આ એક્સપ્રેસ વે પર ગોધરાથી શરૂ કરીને અંકલેશ્વર સુધીનું કામ પુરૂં કરી દેવામાં આવ્યું છે. જ્યારે અંકલેશ્વરથી તલાસરી સુધીનું કામ લગભગ પુરૂં થઈ ગયું છે. આ એક્સપ્રેસ વે તૈયાર થઈ ગયા બાદ સુરતથી અમદાવાદ માત્ર 3 જ કલાકમાં પહોંચી જવાશે.
પ્રાણીઓની સુવિધાને ધ્યાને રાખી ઓવરપાસ પણ બનાવાશે
આ એક્સપ્રેસ વે માં મોટા ભાગનો હાઈવે જંગલ સાઈડથી પસાર થતો હોય, પ્રાણીઓની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ એક્સપ્રેસ-વે એશિયામાં પહેલો અને વિશ્વનો બીજો છે, જેમાં વન્યજીવોની અનિયંત્રિત હિલચાલની સુવિધા માટે પ્રાણી ઓવરપાસ બનાવવાનું આયોજન છે. આ એક્સપ્રેસ વે માં પાંચ ઓવરપાસ હશે તેમજ બે આઇકોનિક આઠ લેનની ટનલ પણ બનાવવામાં આવશે. પ્રથમ મુકુન્દા અભયારણ્ય દ્વારા 4 કિમીના વિસ્તારમાં અને બીજી માથેરાન ઇકો સેન્સિટિવ એરિયા (MET) માં (ઇકો સેન્સિટિવ ઝોન) 4 કિમી 8 બેન-ટનલમાંથી પસાર થશે. આ પ્રોજેક્ટ દેશના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હશે. એક્સપ્રેસ-વેમાં બે આઇકોનિક આઠ લેન ટનલમાં પ્રથમ મુકુન્દા અભયારણ્ય દ્વારા 4 કિમીના વિસ્તારમાં ભયજનક પ્રાણી સૃષ્ટિને જોખમમાં નાખ્યા વગર અને બીજી માથેરાન ઇકો સેન્સિટિવ એરિયા (MET) માં (ઇકો સેન્સિટિવ ઝોન) 4 કિમી 8 લેન-ટનલમાંથી પસાર થશે.
50 હાવડા બ્રિજ બની જાય તેટલા સ્ટીલનો ઉપયોગ આ એક્સપ્રેસ-વેમાં કરાઈ રહ્યો છે
આ એક્સપ્રેસ વેના નિર્માણમાં 1.2 મિલિયન ટનથી વધુ સ્ટીલનો વપરાશ થશે, જે કલકત્તાના જાણીતા હાવડા બ્રિજ જેવા 50 પુલોના નિર્માણ સમાન છે. આ પુલોના નિર્માણ દરમિયાન 40 મિલિયન ટ્રક ભરાય તેટલી એટલે કે આશરે 350 મિલિયન ક્યુબિક મીટર માટીખસેડવામાં આવશે. આ પ્રોજેકટમાં 8 મિલિયન ટન સિમેન્ટનો વપરાશ થશે, જે ભારતની વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન ક્ષમતાનો લગભગ બે ટકા છે.
હાઈવે પર હોટલની સાથે એટીએમ, પેટ્રોલ પંપથી માંડીને દર 100 કિ.મી.એ હેલિપેડ અને ટ્રોમા સેન્ટર હશે
એક્સપ્રેસ વે રોડ સાઈડ એમેનિટીમાં ATM, હોટલ, છૂટક દુકાનો, ફૂડ કોર્ટ, ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન અને ઇંધણ સ્ટેશન જેવી સુવિધાઓ ધરાવતી 93 જગ્યાઓ પર વે-સાઇડ સુવિધાઓ હશે. તે ભારતનો પહેલો એક્સપ્રેસ વે હશે જે અકસ્માત પીડિતો માટે પ્રત્યેક 100 કિમી પર હેલિપેડ અને સંપૂર્ણ સુસજ્જ ટ્રોમા સેન્ટર ધરાવશે. ભરૂચ શહેર નજીક આઇકોનિક ઇન્ટરચેન્જ સાથે દેશમાં એક્સપ્રેસ-વે વિકાસની ઓળખને નવી ગતિ આપશે. રાજ્યમાં રોજગારીની તકો ઊભી કરવા તેમજ મુસાફરી માટે વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં 33 રોડસાઇડ સુવિધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.