દેશમાં કૃષિ કાયદાના વિવાદે હવે વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. કૃષિ કાયદાના વિરોધમાં દેશના ખેડૂતો દ્વારા છેલ્લા બે માસથી પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે અને કેન્દ્ર સરકાર ઝૂકવાનું નામ લેતી નથી. કેન્દ્રની મોદી સરકાર દ્વારા આ કાયદાઓ પોતાના ઉદ્યોગપતિ મિત્રો માટે લાવવામાં આવ્યાં હોવાના આક્ષેપો ખેડૂતો તેમજ વિપક્ષો દ્વારા કરવામાં આવી રહ્યાં છે.
આ આક્ષેપો સાચા છે કે ખોટાની વચ્ચે કેન્દ્ર સરકાર કાયદાના ફાયદા સમજાવવા માટે મથી રહી છે અને ખેડૂતો કાયદાને કારણે તેઓ માલિકમાંથી ગણોતિયા બની જાય તેવી ભીતિ સેવી રહ્યાં છે. બે મહિનાથી સતત મંત્રણાઓ તેમજ વિરોધોનો દૌર ચાલી રહ્યો છે પરંતુ કોઈ ઉકેલ આવતો નથી. કેન્દ્ર સરકાર પોતાની જીદ પર અડી ગઈ છે અને સામે ખેડૂતો પોતાના અસ્તિત્વનો જંગ ખેડી રહ્યાં છે. આ કશ્મકશમાં મંગળવારે પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં જે ખેલ થયો તેણે રાજકારણની પરાકાષ્ઠા બતાવી છે.
મંગળવારે દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમ્યાન જ પરેડની સમાંતર ખેડૂતોએ પણ ટ્રેકટર પરેડ કાઢવાની જાહેરાત કરી હતી. ખેડૂતોએ પોલીસ સાથે બેઠક કરી શાંતિથી પરેડ નીકળે તે માટે પ્રયાસો પણ કર્યા હતાં. પરંતુ થયું અલગ.
ખેડૂતોની ટ્રેકટર પરેડમાં ઘૂસેલા કેટલાક તોફાની તત્વો પરેડને લાલ કિલ્લા સુધી લઈ ગયા અને સરવાળે જે નહીં થવાનું હતું તે જ થયું. લાલ કિલ્લા પર પહોંચી જઈને ખેડૂતો દ્વારા ખાલસા ધ્વજ ફરકાવવામાં આવ્યો. જે થયું તે ખેડૂતો માટે નુકસાનકારક થયું. જોકે, આ ઘટના કેન્દ્ર સરકાર માટે પણ કોઈ ફાયદાકારક થઈ નહીં.
કેન્દ્ર સરકારે કદાચ એવું માન્યું હોય કે ટ્રેકટર પરેડમાં જો તોફાન થાય તો દોષનો ટોપલો ખેડૂતો પર નાખીને આખા આંદોલનને વિખેરી શકાય. ટ્રેકટર પરેડમાં હિંસા તો થઈ પરંતુ હિંસાનો ટોપલો ખેડૂતો પર નહીં પરંતુ ભાજપના જ આગેવાનોના નજીક ગણાતા પંજાબી એકટર દિપસિદ્ધુ પર નખાયો.
લાલ કિલ્લા પાસેના પોલ પર ખાલસા ધ્વજ ફરકાવનાર પંજાબી એકટર દિપસિદ્ધુ જ હતો. દિપસિદ્ધુના ભાજપના સાંસદ અને ફિલ્મી અભિનેતા સની દેઓલની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથેના ફોટા વાઈરલ થતાં જે કેન્દ્ર સરકાર ખેડૂતો સામે આક્રમક વલણ અપનાવવા ઈચ્છતી હતી તે કેન્દ્ર સરકારે હવે પીછેહઠ કરવી પડી.
જોકે, દિલ્હી પોલીસે આ તોફાનોના મામલે 22 એફઆઈઆર નોંધી દીધી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તોફાનીઓને ઓળખી કાઢી તેમને પકડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસની આ કામગીરીની તરફેણમાં અને વિરોધમાં સોશિયલ મીડિયા પર ભારે પ્રચાર પણ શરૂ થઈ ગયો છે.
અગાઉ તોફાનીઓએ તિરંગાનું અપમાન કરી ખાલસા ધ્વજ લગાડી દીધો હોવાનો પ્રચાર થયો હતો પરંતુ બાદમાં તેની પણ સ્પષ્ટતા થઈ હતી. જોકે, પ્રજાસત્તાક દિવસે જે થયું તે ખોટું થયું. સરકારે પણ પહેલેથી આવી પરિસ્થિતિ નહીં સર્જાય તે માટે તૈયારીઓ રાખવી જોઈતી હતી તે રાખી નથી.
આ મામલે સરકારની નિષ્ફળતા છતી થઈ છે. બીજી તરફ ખેડૂત આગેવાનોએ તેમની ટ્રેકટર પરેડમાં તોફાનીઓ ઘૂસીને ઉપદ્રવ ઉભો નહીં કરે તે બાબતે ચોકસાઈ કરવાની જરૂરીયાત હતી. તે થઈ નથી.
દિલ્હીમાં થયેલા આ તોફાનોને કારણે કિસાન આંદોલનને ધક્કો જરૂર પહોંચશે. આ તોફાનો થયા બાદ કિસાન મોરચામાં ફૂટ પણ પડવા માંડી છે. કેટલાક સંગઠનો દ્વારા તેનાથી અલગ થવાની જાહેરાત પણ કરવામાં આવી છે. જોકે, અન્ય નેતાઓ દ્વારા આંદોલનને ચાલુ જ રાખવાનો હુંકાર પણ કરવામાં આવ્યો છે.
આ ઘટનાક્રમ બાદ કિસાનોમાં પણ રોષની લાગણી છે. જેનો પડઘો પણ આગામી દિવસોમાં પડશે તે નક્કી છે. ધારાસભ્ય અભય ચૌટાલા દ્વારા રાજીનામું પણ આપી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર અને ખેડૂતો બંને કૃષિ કાયદા મામલે મક્કમ છે ત્યારે પ્રજાસત્તાક દિવસની હિંસા બાદ કિસાન આંદોલનમાં ઉગ્રતા જોવા મળે તે નક્કી છે.