મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે દિલ્હીમાં લાગુ લોકડાઉનને વધુ એક અઠવાડિયા માટે વધારવાની જાહેરાત કરતા કહ્યું કે, દિલ્હીમાં કોરોનાની સ્થિતિ નાજુક છે અને છેલ્લા કેટલાક દિવસોમાં સંક્રમણ દર 36 ટકાથી વધી ગયો છે. કેજરીવાલે કહ્યું કે, 19 એપ્રિલની રાત્રે લાદવામાં આવેલ લોકડાઉન હવે 3 મેના રોજ સવારે પાંચ વાગ્યા સુધી લાગુ રહેશે. દિલ્હીમાં લાગુ કરવામાં આવેલ પ્રથમ લોકડાઉન 26 એપ્રિલે સવારે પાંચ વાગ્યે પૂર્ણ થવાનું હતું. તેમણે કહ્યું કે, કોરોનાના કેસો ઓછા થાય છે કે વધે છે તે અંગે આપણે થોડા દિવસો સુધી પરિસ્થિતિ જોવી પડશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારે છ દિવસના લોકડાઉન લાગુ કર્યું હોવા છતાં કોરોના સંક્રમણમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. તેમણે કહ્યું કે, દરેકે લોકડાઉન વધારવા માટે મત આપ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં સંક્રમણ દર વધીને 36–37 ટકા થઈ ગયો છે. જો કે હવે તેમાં નજીવો ઘટાડો થયો છે.
આજે સંક્રમણ દર લગભગ 29 ટકા નોંધાયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ઑક્સિજનની ઉપલબ્ધતા પર નજર રાખવા માટે એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે અને નિર્ણય લેવામાં આવ્યો છે કે ઉત્પાદકો, સપ્લાયર્સ અને હોસ્પિટલો દર બે કલાકે સપ્લાય અને વપરાશની માહિતી તેમાં અપડેટ કરશે. કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકારે દિલ્હીનો (ઑક્સિજન) ક્વોટા દિવસના 480 ટનથી વધારીને 490 ટન કર્યો છે. પરંતુ અમને હજી સંપૂર્ણ ક્વોટા મળી રહ્યો નથી. હાલમાં, દિલ્હીને દરરોજ માત્ર 330–335 ટન જથ્થો મળી રહ્યો છે.
ભોપાલમાં ‘કોરોના કરફ્યુ’ 3 મે સુધી લંબાવામાં આવ્યો
મધ્યપ્રદેશના ભોપાલમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા લાદવામાં આવેલા ‘કોરોના કરફ્યુ’ને 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. એમ એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. અહી કોરોના કરફ્યુ 26 એપ્રિલના રોજ સવારે 6 વાગ્યે પૂર્ણ થવાનું હતું. કલેકટર અવિનાશ લવાણીયાએ આપેલા ઑર્ડરમાં જણાવ્યું છે કે, જિલ્લાના ભોપાલ અને બેરસીયા શહેરમાં 3 મેના રોજ સવારે 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ વધારવામાં આવ્યો છે.
કોરોના વધતાં જતા કેસોને કાબૂમાં લેવા માટે 12 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યાથી એક અઠવાડિયાનો ‘કોરોના કરફ્યુ’ લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વધુ એક સપ્તાહ માટે 19 એપ્રિલથી 26 એપ્રિલ સુધી વધારવામાં આવ્યો હતો. હવે બીજી વખત કરફ્યુની સમયમર્યાદા વધારવામાં આવી છે.