National

દિલ્હીના આઝાદ માર્કેટમાં 4 માળની ઇમારત ધરાશાયી થતાં 3ના મોત, હજી કાટમાળ નીચે મજૂરો દબાયા હોવાની શંકા

દિલ્હી: દિલ્હીના (Delhi) આઝાદ માર્કેટ (Azad Market) વિસ્તારમાં એક નિર્માણાધીન ચાર માળની ઈમારત ધરાશાયી (building collapses) થઈ છે. કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ મજૂરોના મોત થયા છે, જ્યારે 6-7 મજૂરો ફસાયા હોવાની આશંકા છે. ઈમારત પડવાનો કોલ સવારે 8.50 વાગ્યે આવ્યો હોવાનું સામે આવ્યું છે, કોલ મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સવારે લગભગ 9.30 વાગ્યે એડીઓ રવિન્દરે જણાવ્યું કે આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. આ સાથે 6-7 લોકો કાટમાળ નીચે દટાયા છે.

આઝાદ માર્કેટ વિસ્તારના શીશ મહેલમાં બિલ્ડિંગમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. તે મકાન અચાનક ધરાશાયી થઈ ગયું. ઘણા મજૂરો તેમાં ફસાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 3 મજૂરોના મોતની પુષ્ટિ થઈ છે. બચાવ ટીમની સાથે સ્થાનિક લોકો પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા. આ ઈમારત ચાર માળની બની રહી હતી, તેથી કાટમાળ પણ ઘણો વધુ છે. પોલીસ અને સ્થાનિક લોકો તેને હટાવવામાં વ્યસ્ત છે. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે ઘણા લોકો આમાં ફસાયા હોવાની આશંકા છે, પરંતુ ચોક્કસ આંકડો કોઈને ખબર નથી.

અધિકારીઓએ જણાવ્યું કે, સવારે લગભગ 8.30 વાગ્યે ઈમારત ધરાશાયી થવાની માહિતી મળી હતી. કહેવામાં આવ્યું હતું કે શીશ મહેલ વિસ્તારમાં મકાન નંબર 754 પડ્યું છે. જે બાદ ચાર ફાયર ટેન્ડરને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. રિપોર્ટ અનુસાર લગભગ 5 લોકો કાટમાળ નીચે દટાયા છે.

તે જ સમયે, વિસ્તારના ઘણા લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેઓ કહે છે કે જ્યાં આ ઈમારત પડી છે, ત્યાં નજીકમાં એક સ્કૂલ છે અને ત્યાંથી ઘણા બાળકો પસાર થઈ રહ્યા હતા. તે બાળકોના પરિવારજનો પણ ત્યાં પહોંચીને હોબાળો મચાવી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ઈમારત ધરાશાયી થઈ ત્યારથી તેમની પાસે કોઈ સુરાગ નથી.

Most Popular

To Top