National

મંત્રી પરિષદ છોડવા અંગે સુરેશ ગોપીએ કર્યો ખુલાસો, કહ્યું- ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા

અભિનેતામાંથી રાજનેતા બનેલા સુરેશ ગોપીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રી તરીકે શપથ લીધાના બીજા દિવસે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે સંકેત આપ્યા છે કે તેઓ ટૂંક સમયમાં મંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે. જોકે ત્યારબાદ તેમણે આ સમાચાર ખોટા હોવાનું અને અફવાહ હોવાનું જણાવ્યું હતું. સુરેશ ગોપીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે આ વાત તદ્દન ખોટી છે કે હું મંત્રી પરિષદથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે વિકાસ અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છીએ.

પહેલા એવા સમાચાર મળ્યા હતાં કે શપથ ગ્રહણ સમારોહ પછી ગોપીએ દિલ્હીમાં એક મલયાલમ ટીવી ચેનલને કહ્યું કે હું સાંસદ તરીકે કામ કરવા માંગુ છું. હું કેબિનેટનો ભાગ બનવા માંગતો ન હતો. તેમણે આગળ કહ્યું કે મેં પાર્ટીને કહ્યું હતું કે મને મંત્રી પદમાં રસ નથી. એવું લાગે છે કે હું ટૂંક સમયમાં મુક્ત થઈશ. લોકસભા ચૂંટણી જીત્યા બાદ જ ગોપીએ કહ્યું હતું કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી નહીં છોડે કારણ કે એક્ટિંગ તેમને શોખ છે. તેમની પાસે પહેલાથી જ કેટલાક ફિલ્મ પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે. ગોપી કેરળના પ્રથમ બીજેપી સાંસદ છે. તેમણે ત્રિસુર લોકસભા સીટ પરથી ચૂંટણી લડી અને સીપીઆઈના સુનિલ કુમારને લગભગ 75 હજાર મતોથી હરાવ્યા હતા.

સુરેશ ગોપીના મંત્રી પદ છોડવા અંગે કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે ફિલ્મ સાઈન કરી છે જેના કારણે તે આ પદની જવાબદારી લેવા માંગતા નથી. કેટલાક અન્ય મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ મંત્રીઓના પોર્ટફોલિયોના આવવાની રાહ જોઈ રહ્યા છે. તે પછી તેઓ વિચારીને નિર્ણય કરશે. જોકે થોડા સમય પહેલા તેમણે નિવેદન આપ્યું હતું કે તેમને મંત્રી પદ જોઈતું નથી, તેઓ પદ વગર લોકોની સેવા કરવા માંગે છે.

ગોપી ચૂંટણી દરમિયાન કેરળ માટે ‘મોદીયુડ ગેરંટી’ (મોદીની ગેરંટી) વચનનો ચહેરો બની ગયા હતા. તેમને વડાપ્રધાન મોદીની સરકારમાં કેન્દ્રીય મંત્રી પરિષદમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લીધા. 65 વર્ષીય અભિનેતાએ 2024ની લોકસભા ચૂંટણીમાં થ્રિસુર સંસદીય બેઠક જીતી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં થ્રિસુરમાં તેમનો પ્રથમ ચૂંટણી રોડ શો કર્યો હતો અને બાદમાં વડા પ્રધાને ગુરુવાયૂર શ્રી કૃષ્ણ મંદિરમાં ગોપીની પુત્રીના લગ્નમાં હાજરી આપવા માટે મતવિસ્તારની બીજી મુલાકાત પણ લીધી હતી.

અગાઉ ચૂંટણી પરિણામો પર તેમણે કહ્યું હતું કે હું ખૂબ ખુશ છું. જે અશક્ય હતું તે તેજસ્વી રીતે શક્ય બન્યું. આ 62 દિવસની ચૂંટણી પ્રક્રિયા નહોતી પણ છેલ્લા 7 વર્ષની ભાવનાત્મક યાત્રા હતી. હું આખા કેરળ માટે કામ કરું છું. મારી પ્રથમ પસંદગી એઈમ્સ બનાવવાની હશે.

Most Popular

To Top