નવી દિલ્હી: (New Delhi) દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટની (Supreme Court) ફટકાર બાદ રાજ્ય સરકારે ગુરુવારે રાજ્યની તમામ શાળાઓને (Schools) આગામી આદેશ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. રાજ્યના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ માહિતી આપી હતી. તબીબોએ લોકોને કામ વગર બહાર નહીં નીકળવાની સલાહ આપી છે. પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ દિલ્હીમાં કેજરીવાલ સરકારે (Kejriwal Government) અગત્યનો નિર્ણય લીધો છે. કોર્ટે ગુરુવારે દિલ્હીની કેજરીવાલ સરકારને પૂછ્યું- જ્યારે રાજધાનીમાં પ્રદૂષણ આટલી હદે વધી ગયું છે, તો સ્કૂલો કેમ ખુલ્લી છે? સુપ્રીમકોર્ટે વધુમાં કહ્યું હતું, અમને લાગે છે કે વાયુ-પ્રદૂષણ મુદ્દે કશું થતું નથી, ઉપરથી એનો સ્તર વધુ ખરાબ થઈ રહ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કરાણે હવાની ગતિ ધીમી હોવાથી પ્રદૂષણ તત્વો જમા થશે, જેનાથી આવનારા 1-2 દિવસ વાયુ પ્રદૂષણનું સ્તર વધી શકે છે. દિલ્હીમાં 2 ડિસેમ્બર સવારે AQI 342 હતો જ્યારે નોઈડામાં 543 અને ગુરુગ્રામમાં 339 નોંધાયો હતો. આ અગાઉ બુધવારે સવારે 9 વાગ્યે દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 357 રહ્યો હતો. જ્યારે મંગળવારે 24 કલાકનો સરેરાશ AQI 328 રહ્યો હતો. આ અગાઉ ગુરુવારે જ કોર્ટે કેન્દ્રને દિલ્હી અને પડોશી રાજ્યોની સરકારને ફટકાર લગાવતા 24 કલાકનો સમય આપ્યો હતો. કોર્ટે કેન્દ્રને કહ્યું કે જો પ્રદૂષણ ઓછુ કરવા માટે 24 કલાકમાં યોગ્ય નિર્ણય ન લીધા તો સુપ્રીમ કોર્ટ ટાસ્કનું ગઠન કરશે. ચીફ જસ્ટિસ NV રમણાએ કાર્યવાહી દરમિયાન કેન્દ્રને પૂછ્યું કે દિલ્હીમાં આખરે પ્રદૂષણ ઘટી કેમ નથી રહ્યું?
પ્રદૂષણ વચ્ચે પણ સ્કૂલો ખુલ્લી રહેવાથી કોર્ટે ગુરુવારે દિલ્હીની કેજરીવાલ સરકારને પૂછ્યું- જ્યારે રાજધાનીમાં પ્રદૂષણ આટલી હદે વધી ગયું છે, તો સ્કૂલો કેમ ખુલ્લી છે? સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે જો દિલ્હી સરકાર મોટા ઓફિસરો માટે વર્ક ફ્રોમ હોમની સુવિધા લાગુ કરી શકે છે તો બાળકોને જબરદસ્તી કેમ સ્કૂલ જવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણની સ્થિતિ જોતા સરકારે દિલ્હીની તમામ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ગોપાલ રાયને પૂછવામાં આવ્યું કે શાળાઓ ક્યારે ખુલશે થશે તો તેમણે કહ્યું કે આ અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. તમામ શાળાઓ આગામી આદેશ સુધી બંધ રહેશે.