નવી દિલ્હી: (Delhi) દિલ્હી-NCR તેમજ સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી (Cold) યથાવત છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સરેરાશ કરતા ચાર ડિગ્રી સેલ્સિયસ નીચે પહોંચી ગયું હતું. સોમવારે દિલ્હીમાં તાપમાન 3.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિઝનનું (Season) આ સૌથી ઓછું તાપમાન છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે શહેરના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. રવિવારે લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સોમવાર સુધી આ સિઝનનું સૌથી નીચું તાપમાન હતું. અગાઉ શનિવારે લઘુત્તમ તાપમાન 3.6 ડિગ્રી અને શુક્રવારે 3.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ગાઢ ધુમ્મસના કારણે ટ્રેનથી લઈને એરલાઈન્સ સુધીની સેવાઓને અસર થઈ રહી છે. ગાઢ ધુમ્મસના કારણે છેલ્લા એક સપ્તાહથી સરેરાશ 25 ટ્રેનો સમય કરતાં મોડી ચાલી રહી છે. 15 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસના કારણે દેશના વિવિધ ભાગોમાંથી દિલ્હી આવતી 18 ટ્રેનો મોડી ચાલી રહી હતી. સોમવારે સવારે ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર આવતી પાંચ ફ્લાઈટોના રૂટ બદલવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે ચાર ફ્લાઈટને જયપુર અને એક ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. રવિવારે 10 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. ધુમ્મસને કારણે કેટલીક ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં ઓછી વિઝિબિલિટી અને ગાઢ ધુમ્મસના કારણે એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશનને નોંધપાત્ર અસર થઈ છે.
હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ સુધી ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ તેમજ શીત લહેર યથાવત રહેવાની આગાહી કરી છે. IMDએ કહ્યું છે કે 20 જાન્યુઆરી સુધી દિલ્હીમાં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સવારે મધ્યમથી ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16 જાન્યુઆરી દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડી ચાલુ રહેશે. 16 અને 17 જાન્યુઆરીએ અલગ-અલગ વિસ્તારોમાં આવી જ સ્થિતિ રહેવાની ધારણા છે. 18 જાન્યુઆરી દરમિયાન ઉત્તર રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં રાત્રે અને સવારે ગાઢ ધુમ્મસની શક્યતા છે.