નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીને (Delhi) વરસાદથી (Monsoon) થોડી રાહત મળી છે. પરંતુ હરિયાણાના બરાજ ડેમમાંથી (Dam) પાણી છોડવામાં આવ્યા બાદ દિલ્હીના અનેક વિસ્તારો પૂરની (Flood) ઝપેટમાં આવી ગયા છે. સાથે જ દિલ્હીમાં યમુના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ગુરુવારે યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનથી 3 મીટર ઉપર વહેતુ થયું હતું જેના કારણે વજીરાબાદમાં આવેલું માંડુ ગામમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં 16000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. આ સાથે સેન્ટ્રલ વોટર કમિશનને આશંકા છે કે ગુરુવાર યમુના નદીનું જળસ્તર 209 મીટર સુધી વહી શકે છે. NDRFની 12 ટીમો સહિત 2,700 રાહત શિબિર સક્રિય થયા છે.
બુધવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. પરંતુ દિવસભર વાતાવરણ ખુશનુમા રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 અને 16 જુલાઈએ વરસાદની સંભાવના છે. આ અંગે હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. આ ઉપરાંત ભારે વરસાદ અને પૂરનાં કારણે MCDએ દિલ્હીમાં 13 શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે.
દિલ્હીમાં ભારે વરસાદના કારણે યમુના નદીના જળસ્તરનો 45 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. 1978માં યમુનાનું સૌથી ઊંચું જળસ્તર 207.49 મીટરે પહોંચ્યું હતું. આ વખતે તે 209 મીટરને પાર કરી શકે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. હરિયાણાના હથિની કુંડ બેરેજમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાને કારણે આ બન્યું છે.
ઉત્તરભારતમાં ભારે વરસાદના કારણે જે તબાહી સર્જાઈ છે તેને જોઈ ત્યાંના મુખ્યમંત્રીએ તેને 50 વર્ષમાં રાજ્યની સૌથી મોટી દુર્ઘટના ગણાવી છે. જાણકારી મુજબ 24 જૂનથી રાજ્યમાં 88 લોકોના મોત થયા છે જ્યારે 51 જગ્યાએ ભૂસ્ખલન થયું છે અને 32 જગ્યાએ પૂર આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને 1189 રસ્તાઓ બંધ થવાને કારણે લગભગ 20,000 પ્રવાસીઓ અટવાયા છે.