National

દિલ્હી પોલીનું મોટું ઓપરેશન: 5 આતંકવાદીઓની ધરપકડ, તહેવારોમાં આતંક ફેલાવવાનો ષડયંત્ર નિષ્ફળ

દિલ્હી પોલીસે તહેવારોની મોસમ પહેલા જ મોટો આતંકવાદી કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. પોલીસ દ્વારા વિવિધ રાજ્યોમાંથી પાંચ આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ આતંકવાદીઓ દિલ્હી-એનસીઆરમાં મોટી ઘટના અંજામ આપવાની તૈયારીમાં હતા.

પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાંથી બે દિલ્હી ખાતે રહેતા હતા. એક મધ્યપ્રદેશનો છે. તેમજ એક હૈદરાબાદનો છે અને એક રાંચીનો છે. તેમની પાસેથી IED (ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ) બનાવવા માટેની સામગ્રી મળી આવી છે. તપાસમાં ખુલ્યું છે કે તેઓ તહેવારો દરમિયાન મોટી ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવવા માગતા હતા.

આ કાર્યવાહી પહેલા, બુધવારે પણ રાંચી અને દિલ્હીમાંથી બે આતંકવાદીઓને ઝડપી લેવાયા હતા. તેમાં અશરફ દાનિશ ઉર્ફે અશર દાનિશ અને આફતાબના નામ સામે આવ્યા છે. તેઓ “ગઝવા-એ-હિંદ” નામના આતંકવાદી મોડ્યુલ માટે યુવાનોને જેહાદી વિચારધારામાં ખેંચતા હતા. તેમને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને અન્ય આતંકવાદી સંગઠનો સાથે જોડાણ હોવાનું પણ સામે આવ્યું છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ, NIA, IB અને કેન્દ્રીય એજન્સીઓ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસને આશંકા છે કે આ નેટવર્કમાં અન્ય યુવાનો પણ સામેલ હોઈ શકે છે. હાલ 8 જેટલા શંકાસ્પદોની પૂછપરછ ચાલી રહી છે.

આ રીતે, તહેવારો પહેલાં થયેલી આ સફળ કાર્યવાહીથી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં સુરક્ષાને લઈને એક મોટો ખતરો ટળી ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ હવે સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી રહી છે જેથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના અટકાવી શકાય.

Most Popular

To Top