National

ચીન સાથે કનેક્શનના મામલામાં આ ન્યૂઝ વેબસાઈટના પત્રકારો પર દિલ્હી પોલીસના દરોડા

નવી દિલ્હી: દિલ્હી પોલીસના (DelhiPolice) સ્પેશિયલ સેલ દ્વારા આજે રાજધાની દિલ્હી અને નજીકના એનસીઆરમાં ન્યૂઝક્લિક (NewsClick) વેબસાઇટના (Website) પત્રકારો (Reporters) પર દરોડા (Raid) પાડવામાં આવ્યા છે. વિદેશી ફંડિંગના (Foreign Fund) મામલામાં UAPA ના કાયદા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્પેશિયલ સેલે મંગળવારે વહેલી સવારે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં એક સાથે દરોડા પાડ્યા છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એકસાથે 30 થી વધુ ઠેકાણા પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે, જેમને સ્પેશિયલ સેલ લઈ જવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર પત્રકાર ઉર્મિલેશ અને સત્યમ તિવારીની અટકાયત કરવામાં આવી છે. તેમના વકીલો સ્પેશિયલ સેલની ઓફિસે પહોંચ્યા છે. આ ઉપરાંત પત્રકાર અભિસાર શર્માને પણ દિલ્હી પોલીસ દ્વારા પકડી લેવાયા છે. ન્યૂઝક્લિકના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થને સ્પેશિયલ સેલની કચેરીમાં લઈ જવાયા છે.

દરોડા દરમિયાન દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે લેપટોપ અને મોબાઈલ ફોન જેવા ઘણા ઈલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કર્યા છે. આ સિવાય હાર્ડ ડિસ્કનો ડેટા પણ લેવામાં આવ્યો છે. ઘણી ફાઈલો પણ જપ્ત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર , દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે UAPA હેઠળ કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસની આ કાર્યવાહી બાદ પત્રકાર અભિસાર શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેણે કહ્યું છે કે દિલ્હી પોલીસે તેના ઘરેથી તેનું લેપટોપ અને ફોન કબ્જે લીધો છે.

UAPA હેઠળ ચાલી રહેલા આ દરોડામાં સ્પેશિયલ સેલના 100થી વધુ પોલીસકર્મીઓ સામેલ છે. દરોડા દરમિયાન સ્પેશિયલ સેલની સાથે અર્ધલશ્કરી દળના જવાનો પણ હતા. સુરક્ષાના કારણોસર આ સૈનિકો સ્પેશિયલ સેલની ટીમ સાથે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દરોડા પૂરા થયા બાદ દિલ્હી પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. હાલમાં તમામ સિનિયર અધિકારીઓને દરોડા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે.

પોલીસે સીપીએમ ઓફિસમાં કામ કરતા શ્રીનારાયણના પુત્ર સુમિત કુમારનો મોબાઈલ અને લેપટોપ જપ્ત કરી લીધો છે. તે ન્યૂઝક્લિકમાં જ કામ કરે છે. 36 કેનિંગ લેનમાં સ્થિત તેના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે. જોકે સુમિતને કસ્ટડીમાં લેવામાં આવ્યો નથી. 36 કેનિંગ લેન અખિલ ભારતીય કિસાન સભાનું કાર્યાલય છે. સીપીએમના મહાસચિવ સીતારામ યાચુરીના નામે આ ઘર ફાળવવામાં આવ્યું છે. અહીં રહેતા સીપીએમ ઓફિસના કર્મચારીઓના રૂમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. સુમિત ન્યૂઝ ક્લિકની ઓફિસમાં ગ્રાફિક્સ અને વીડિયો ટીમમાં કામ કરે છે.

ED ઇનપુટ્સના આધારે કાર્યવાહી
પ્રાપ્ત માહિતી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી મળેલા ઇનપુટના આધારે દિલ્હી પોલીસે આ કાર્યવાહી કરી છે. EDની તપાસમાં 3 વર્ષમાં 38.05 કરોડ રૂપિયાના નકલી વિદેશી ફંડ ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો હતો. ગૌતમ નવલખા અને તિસ્તા સેતલવાડના સહયોગીઓ ઉપરાંત આ પૈસા ઘણા પત્રકારોને આપવામાં આવ્યા હતા.

ચીનમાંથી કઈ ચેનલ દ્વારા પૈસા આવ્યા?
EDની તપાસમાં પૈસાની લેવડદેવડનો ખુલાસો થયો હતો. જેમાં 9.59 કરોડ રૂપિયા FDI દ્વારા અને 28.46 કરોડ રૂપિયા સર્વિસ એક્સપોર્ટના બદલામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ચીનના પૈસા કેટલીક વિદેશી ફર્મ મારફતે ન્યૂઝક્લિક સુધી પહોંચ્યા હતા. આ જ પૈસા ન્યૂઝક્લિક સાથે જોડાયેલા પત્રકારોને પણ આપવામાં આવ્યા હોવાની આશંકા છે.

ચીની કંપનીઓ પાસેથી ફંડ લેવાનો આરોપ
વર્ષ 2021માં દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે ન્યૂઝક્લિકને મળેલા ગેરકાયદે વિદેશી ફંડ અંગે કેસ નોંધ્યો હતો. ન્યૂઝક્લિકને આ શંકાસ્પદ ભંડોળ ચીનની કંપનીઓ દ્વારા મળ્યું હતું. ત્યાર બાદ EDએ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી, જો કે તે સમયે હાઈકોર્ટે ન્યૂઝક્લિકના પ્રમોટરોને ધરપકડમાંથી રાહત આપી હતી.

Most Popular

To Top