Editorial

દિલ્હી કોચિંગ સેન્ટરની ઘટનામાં દિલ્હી પોલીસે કાર ડ્રાઈવરની ધરપકડ કરી બુદ્ધિનું દેવાળું ફુંક્યું

કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના જેવો ઘાટ દિલ્હી પોલીસે કર્યો છે. દિલ્હીમાં જુના રાજિન્દર નગરમાં શનિવારે સાંજે એક કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતાં ત્રણ વિદ્યાર્થી શ્રૈયા યાદવ, તન્યા યાદવ અને નેવિન ડેલ્વિનના મોત થઈ ગયા. આ ઘટનાનો ભારે ઉહાપોહ પણ થયો અને દિલ્હી પોલીસ દોડતી થઈ ગઈ. આ ઘટનાને પગલે દેશભરમાં જ્યાં જ્યાં બેઝમેન્ટમાં કોચિંગ ક્લાસ ચાલતા હતા ત્યાં સીલ મારી દેવામાં આવ્યા. ભારત દેશમાં જ્યારે પણ કોઈ મોટી હોનારત બને ત્યારે જ તંત્ર જાગે છે.

દિલ્હીમાં બનેલી આ ઘટનામાં પણ તંત્ર પર આક્ષેપો થતાં તુરંત દિલ્હી પોલીસે કોઈ કાર્યવાહી કર્યાનો સંતોષ લેવા માટે ‘જાડો નર જોઈને ચઢાવો શુળીએ’ની જેમ બેઝમેન્ટમાં પાણી કેવી રીતે ભરાયું તેનું હાસ્યાસ્પદ કારણ શોધી કાઢ્યું. દિલ્હી પોલીસના અધિકારીઓની સમજશક્તિ પર ધૃણા થાય તેવી રીતે પોલીસે કામગીરી કરી અને આ ઘટનામાં બેઝમેન્ટના માલિકો તેજિન્દર સિંગ, પરવિન્દર સિંગ, હરવિન્દર સિંગ અને સરબજીત સિંગની સાથે એક એસયુવી કારના ડ્રાઈવર મનોજ કથુરીયાની પણ ધરપકડ કરી લીધી.

સામાન્ય રીતે કોચિંગ ક્લાસમાં ઘટના બની એટલે તેના માલિકો સામે ગુનો દાખલ થાય અને ધરપકડ થાય તે સમજી શકાય પરંતુ દિલ્હી પોલીસે જે રીતે એસયુવીના ડ્રાઈવરની ધરપકડ કરી તેણે દિલ્હી પોલીસ સામે અનેક પ્રશ્નો ઊભા કરી દીધા છે. દિલ્હી પોલીસે એસયુવી ફોર્સ ગુરખાના માલિક મનોજ કથુરીયાની ધરપકડ કરી તેમાં એવું કારણ આપ્યું કે મનોજ કથુરીયા પોતાના ઘરથી 700 મીટર દૂર હતા ત્યારે શનિવારે સાંજે પોણા સાત કલાકે પોતાની કાર ભરાયેલા પાણીમાંથી પસાર કરી અને તેને કારણે પાણીએ બેઝમેન્ટનો દરવાજો તોડી નાખ્યો અને તેને કારણે બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા અને ત્રણ વિદ્યાર્થીના મોત થઈ ગયા.

પોલીસે આ માટે એક વિડીયોનો આધાર લીધો કે જેમાં એવું બતાવ્યું હતું કે, મનોજ કથુરીયાની કાર પસાર થયા બાદ પાણીના મોજાને કારણે કોચિંગ સેન્ટરનો દરવાજો તૂટી ગયો અને પોલીસે ધરપકડ કરેલા મનોજ કથુરીયાના જામીન પણ નામંજુર થઈ ગયા. આ ઘટનાએ દિલ્હી પોલીસ સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે. સાથે સાથે દેશની સિસ્ટમને પણ કઠેડામાં ઊભી કરી દીધી છે.

આ ઘટનામાં જોવામાં આવે તો કાર ડ્રાઈવરની ધરપકડ કરીને દિલ્હી પોલીસે બુદ્ધીનું દેવાળું ફુક્યું છે. પહેલો પ્રશ્ન તો એ છે કે પાણી ભરાયા જ કેમ? જો પાણી ભરાયા હોય તો પહેલી જવાબદારી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની બને છે. જ્યારે કાર ડ્રાઈવરે રોડ પર જ કાર ચલાવી છે તો પછી તેનો વાંક કેવી રીતે કહી શકાય? જે વિડીયો છે તેમાં પણ કાર ડ્રાઈવર મનોજ કથુરીયાએ ધીરેધીરે જ કાર હંકારી હોવાનું દેખાઈ રહ્યું છે ત્યારે દિલ્હી પોલીસે માત્ર જવાબદારીમાંથી હાથ ખંખેરવા અને સ્થાનિક તંત્રના અધિકારીઓને બચાવી લેવા માટે જ કાર ડ્રાઈવરની ધરપકડ કરવાનો ખેલ કર્યો હોવાનું દેખાઈ રહ્યું છે.

જો આવી જ રીતે કોઈની ધરપકડ કરવાની રહે તો આગામી દિવસોમાં અનેક કાર સહિતના વાહનોના ડ્રાઈવરોની ધરપકડ થશે. જ્યારે ખરેખર જવાબદારી એ લોકોની થાય છે કે જેણે પાણી રોડ પર ભરાવા દીધું અને જેણે કોચિંગ સેન્ટરને બેઝમેન્ટમાં બનાવ્યું અને તેનો દરવાજો એવો બનાવ્યો કે જે પાણીના જોરથી તૂટી જાય. ખેર,  કાર ડ્રાઈવર મનોજ કથુરીયાનો કેસ હવે તો કોર્ટમાં ચાલશે પરંતુ જે રીતે દિલ્હી પોલીસે બુદ્ધીનું પ્રદર્શન કર્યું છે તે આગામી દિવસોમાં દિલ્હી પોલીસને કોર્ટના કઠેડામાં લાવશે જરૂર તે નક્કી છે.

Most Popular

To Top