National

નોઈડા પોલીસ દિલ્હીમાં AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘરે પહોંચી, આ છે કારણ

નવી દિલ્હીઃ (New Delhi) આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના (Amanatulla Khan) પુત્રની મુશ્કેલીઓ વધી ગઈ છે. નોઈડાના સેક્ટર-95 પેટ્રોલ પંપ પર થયેલા હુમલાના મામલે નોઈડા પોલીસ શનિવારે અમાનતુલ્લા ખાનના ઘરે પહોંચી હતી. પોલીસે AAP ધારાસભ્યના ઘરે નોટિસ પણ ચોંટાડી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને પૂછપરછમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં અમાનતુલ્લા ખાનનો પુત્ર અનસ ખાન ઘરે મળ્યો ન હતો. પોલીસ અનસ ખાનને શોધી રહી છે.

નોઈડાના સેક્ટર-95માં પેટ્રોલ પંપ કામદારો પર હુમલાના મામલામાં નોઈડામાં પોલીસે કાર્યવાહી તેજ કરી છે. શનિવારે બપોરે નોઇડા પોલીસ દરોડા પાડવાની સૂચના સાથે દિલ્હીમાં AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘરે પહોંચી હતી. ધારાસભ્યના ઘરનો દરવાજો બંધ જોવા મળ્યો હતો અને નોટિસ લેવા માટે કોઈ મળ્યું ન હતું. નોટિસ ચોંટાડીને પોલીસ ખાલી હાથે પાછી ફરી હતી.

તાજેતરમાં નોઈડા પોલીસે દિલ્હી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન, તેમના પુત્ર અનસ ખાન અને અન્ય લોકો વિરુદ્ધ પેટ્રોલ પંપ પર કર્મચારીઓ પર કથિત રીતે હુમલો કરવા અને ધમકી આપવા બદલ કેસ નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અમાનતુલ્લાએ પેટ્રોલ પંપના મેનેજર બિનોદ અને માલિકને પણ ધમકી આપી હતી. આ મામલે પીડિત વિનોદ કુમાર સિંહે ફેઝ-વન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કહ્યું કે તેઓએ પેટ્રોલ પંપ પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ પોતાના કબજામાં લીધા છે અને આ મામલે તપાસ કરી રહી છે.

ધારાસભ્યે આ આક્ષેપ કર્યો હતો
ધારાસભ્યએ તેને એકપક્ષીય કાર્યવાહી ગણાવી અને કહ્યું કે તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. ધારાસભ્યએ કહ્યું હતું કે તેમનો પુત્ર જે કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે જ્યારે આ ઘટના બની ત્યારે તે પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે પેટ્રોલ પંપના સ્ટાફે મારા પુત્ર સાથે ગેરવર્તણૂક કરી અને મારપીટ પણ કરી. હવે તેઓ અધૂરા CCTV ફૂટેજનો ઉપયોગ મારી છબી ખરાબ કરવા અને મને એકપક્ષીય પોલીસ કાર્યવાહીમાં ફસાવવા માટે કામ કરી રહ્યા છે.

બીજી તરફ ફરિયાદી વિનોદ કુમાર સિંહે આરોપ લગાવ્યો છે કે આ ઘટના સવારે 9.27 વાગ્યે બની હતી જ્યારે ધારાસભ્યનો પુત્ર તેની કારમાં ત્યાં પહોંચ્યો હતો અને કતારમાં ઊભા રહેવાને બદલે સેલ્સમેનને પહેલા તેની કારમાં ઇંધણ ભરવાનું કહ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ભારતીય દંડ સંહિતા કલમ 323, 504, 506 (ગુનાહિત ધમકી માટે સજા) હેઠળ અને 427 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

Most Popular

To Top