નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં (Delhi) ખેડૂતોના (Farmers) આંદોલન સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કૃષિ મંત્રી (Minister of Agriculture) અર્જુન મુંડા પાસેથી ખેડૂતોના આંદોલન (Farmers’ Movement) સાથે જોડાયેલી માહિતી લીધી છે અને કેટલાક નિર્દેશો પણ આપ્યા છે. રાજનાથ સિંહ ખેડૂતોના મુદ્દે ચર્ચા કરી રહ્યા હોવાના સમાચાર છે.
સાંજે 7 વાગ્યે સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે બેઠક થશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે. જેમાં સરકાર ખેડૂત નેતાઓ સાથે વાત કરશે. આ બેઠકમાં 3 કેન્દ્રીય મંત્રીઓ હાજરી આપશે. પીટીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ, નિત્યાનંદ રાય આજે સાંજે ખેડૂત જૂથોના નેતાઓ સાથે બેઠક કરશે.
ખેડૂતોની દિલ્હી તરફ કુચ, હરિયાણા-પંજાબની સરહદો પર પોલીસ સાથે અથડામણ
હરિયાણા-પંજાબની ઘણી સરહદો પર પોલીસ સાથે ઘર્ષણ છતાં આંદોલનકારી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. તેમજ ગઈકાલે સરકાર સાથે ઘર્ષણ, અથડામણ, હિંસા અને મડાગાંઠ વચ્ચે આખો દિવસ ખેડૂતોએ દિલ્હી તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ શંભુ બોર્ડર પર આખી રાત હંગામો થયો હતો અને પોલીસે ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. દરમિયાન આજે ફરી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધશે.
એમએસપી ગેરંટી કાયદો અને લોન માફી સહિતની 12 માંગણીઓ માટે આંદોલન કરી રહેલા પંજાબના ખેડૂતોએ સરકાર સાથેની વાતચીત નિષ્ફળ જતાં મંગળવારે સવારે દિલ્હી તરફ કૂચ કરી હતી. પંજાબના વિવિધ વિસ્તારોમાંથી ટ્રેક્ટર ટ્રોલીમાં તંબુ અને રાશન લઈને આવતા ખેડૂતોને હરિયાણાની સરહદ પર રોકી દેવામાં આવ્યા હતા.
ખેડૂત આંદોલનને કારણે રેકોર્ડ તૂટ્યો, ગઈકાલે દિલ્હી મેટ્રોમાં 71.09 લાખ મુસાફરોએ મુસાફરી કરી
હાલમાં દિલ્હીમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, જેના કારણે રાજધાનીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. ખેડૂતોના આંદોલનને કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામ છે. આવી સ્થિતિમાં લોકો સમય બચાવવા માટે મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે, જેના કારણે દિલ્હી મેટ્રોના નામે એક નવો રેકોર્ડ નોંધાયો છે. હાલમાં જ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને એક ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
દિલ્હી મેટ્રોના નામે રેકોર્ડ નોંધાયો
એક આંકડો જાહેર કરતા, DMRCએ કહ્યું કે મંગળવારે એટલે કે 13 ફેબ્રુઆરીએ લગભગ 71.09 લાખ મુસાફરોએ દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ સપ્ટેમ્બર 2023માં દિલ્હી મેટ્રોમાં 71.03 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી, પરંતુ હવે આ રેકોર્ડ તૂટી ગયો છે. ડીએમઆરસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી શેર કરી છે.