National

સંસદ સંકુલમાં TMC સાંસદે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરની નકલ કરતા વિવાદ

નવી દિલ્હીઃ (New Delhi) સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે વિવાદ (Dispute) ચાલુ છે. મંગળવારે સંસદના (Parliament) બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. હંગામો મચાવનારા ઘણા વિપક્ષી સાંસદોને આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. દરમિયાન ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ સંસદ સંકુલમાં રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરની નકલ કરી હતી. જ્યારે ટીએમસીના સાંસદ મિમિક્રી કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત અનેક પક્ષોના સાંસદો હાજર હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સાંસદ કલ્યાણ બેનર્જીએ સંસદ સંકુલમાં રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરની મજાક ઉડાવી હતી. બેનર્જીએ મંગળવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી સાંસદોની હાજરીમાં સંસદના પગથિયાં પર વિરોધ પ્રદર્શન દરમિયાન ધનખરની મજાક ઉડાવી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઘટનાસ્થળે ઉભા હતા અને તેમના મોબાઈલ ફોન પર ધનખરની નકલ કરતા બેનર્જીનો વીડિયો બનાવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન આરજેડી સાંસદ મનોજ ઝા સહિત ઘણા સાંસદો તાળીઓ પાડતા જોવા મળ્યા હતા.

વિપક્ષી સભ્યોએ સંસદની સુરક્ષા ભંગનો મુદ્દો ઉઠાવીને ગૃહમાં હંગામો મચાવવાનું ચાલુ રાખ્યા બાદ મધ્યાહન ભોજન પહેલાંના સમયગાળા દરમિયાન રાજ્યસભાને બે વાર સ્થગિત કરવી પડી હતી. અધ્યક્ષે સ્પીકર અને અધ્યક્ષની મિમિક્રી અને એક સાંસદ દ્વારા આ કૃત્યની વીડિયોગ્રાફીનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે આ ખૂબજ શરમજનક છે. તેની કેટલીક મર્યાદા હોવી જોઈએ. ધનખરે કહ્યું કે અધ્યક્ષની નકલ કરવી એ હાસ્યાસ્પદ, શરમજનક અને અસ્વીકાર્ય છે. સાથે જ બીજેપી સાંસદે તેની ટીકા કરી છે.

અત્યાર સુધીમાં 140થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
તમને જણાવી દઈએ કે સંસદના બંને ગૃહોમાં આજે પણ ભારે હોબાળો થયો હતો. આજે વધુ 49 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે સસ્પેન્ડેડ સાંસદોની સંખ્યા વધીને 140થી વધુ થઈ ગઈ છે. વિપક્ષી સાંસદોના સસ્પેન્ડ પર સપા સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે આજે 40થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગઈકાલે પણ લોકસભા અને રાજ્યસભાના મળીને 80 થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લોકશાહી વ્યવસ્થા માટે આ દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે જે વાતાવરણ જોઈ રહ્યા છીએ જ્યાં આપણે સંસદમાં આપણા વિચારો વ્યક્ત કરી શકતા નથી તે સરકારની સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે.

Most Popular

To Top