National

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઘરમાં એક વ્યક્તિનો કાર લઈને ઘૂસવાનો પ્રયાસ

નવી દિલ્હી: (New Delhi) દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (NSA Ajit Dobhal)ના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે ડોભાલના ઘરની બહાર સતર્ક સુરક્ષા દળોએ તેને ગેટ પર રોક્યો હતો અને તેને કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ તેને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિના શરીરમાં એક ચિપ હતી. આ ચીપ બહારથી કોઈ અન્ય વ્યક્તિ નિયંત્રિત કરી રહ્યું હતું. જ્યારે સુરક્ષાકર્મીઓએ (Security) તેને પકડી લીધો ત્યારે તે હાસ્યજનક રીતે વાત કરી રહ્યો હતો. તે બડબડાટ કરી રહ્યો હતો કે તેને અજીત ડોભાલને મળવું છે. તે મારી સમસ્યા હલ કરી શકે છે. દિલ્હી પોલીસ માની રહી છે કે આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોઈ શકે છે. તપાસ એજન્સીઓ આગળની કાર્યવાહી કરી રહી છે અને ડોભાલના ઘરમાં પ્રવેશવાનો ઈરાદો જાણવાનો પ્રયાસ કરી રહી છે.

બુધવારે સવારે લગભગ 7.45 વાગે એક વ્યક્તિએ NSA અજીત ડોભાલના ઘરમાં બળજબરીથી કાર સાથે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ તેને ગેટ પર રોક્યો હતો અને તેને કસ્ટડીમાં લીધો હતો. હવે તે દિલ્હી પોલીસના કબ્જામાં છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ તેની પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તે બેંગલુરુનો નિવાસી છે. તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાયું છે. તે વ્યક્તિએ જણાવ્યું હતું કે તેના શરીરમાં એક ચિપ છે જેને દૂર બેઠેલી કોઈ વ્યક્તિ ઓપરેટ કરી રહી છે. જો કે શોધખોળ દરમિયાન તેના શરીરમાં કોઈ ચિપ મળી ન હતી. દિલ્હી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પાસેથી મળી આવેલી કાર ભાડાની છે.

અજીત ડોભાલની કામગીરી
ઉત્તરાખંડના પૌડી ગઢવાલામાં જન્મેલા અજિત ડોભાલ કેરળ કેડરના IPS અધિકારી છે. 1972માં તેઓ ભારતની જાસૂસી એજન્સી આઈબીમાં જોડાયા હતા. જાસૂસ બનીને તેઓ સાત વર્ષ સુધી પાકિસ્તાનમાં પણ રહ્યા હતા. ઓપરેશન બ્લૂ સ્ટાર, ઓપરેશન બ્લૂ થન્ડરમાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા હતી. 2019ના રોજ થયેલા પુલવામા આતંકી હુમલા પછી પાકિસ્તાન સામે બદલો લેવાના પ્લાનની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનએસએ અજિત ડોભાલને સોંપી હતી. ડોભાલે આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી હતી અને વાયુસેનાએ બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદનાં આતંકી ઠેકાણાંને ઉડાવ્યા હતા.

જણાવી દઈએ કે અજિત ડોભાલ ઘણાં આતંકી સંગઠનોના ટાર્ગેટ પર છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં જૈશના આતંકીની પાસેથી ડોભાલની આફિસની રેકી કરવાનો વીડિયો મળ્યો હતો. આ વીડિયોને આતંકીએ પાકિસ્તાની હેન્ડલરને મોકલ્યો હતો. એ પછી ડોભાલની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. અજીત ડોભાલ દિલ્હીના જનપથ વિસ્તારમાં રહે છે. NSAની રચના બાદ ડોભાલને Z પ્લસ સુરક્ષા મળી હતી. ડોભાલના બંગલાની નજીક પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નિવાસસ્થાન છે.

Most Popular

To Top