National

NEET વિવાદ મામલે સુપ્રીમ કોર્ટની NTAને નોટિસ, કહ્યું- જો 0.001% પણ બેદરકારી હોય તો પગલાં લેવામાં આવે

સુપ્રીમ કોર્ટે (Supreme Court) મંગળવારે NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અંગે દાખલ અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને ઘણા તીખા પ્રશ્નો પૂછ્યા હતા. કોર્ટે કહ્યું કે જો NEET પરીક્ષામાં 0.001 ટકા પણ બેદરકારી હોય તો પણ તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

મંગળવારે સુપ્રીમ કોર્ટમાં NEET UG વિવાદ પર ગ્રેસ માર્ક્સ સંબંધિત અરજી પર સુનાવણી થઈ. આ કેસ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એસવી ભાટીની વેકેશન બેન્ચ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે જો કોઈની તરફથી 0.001% પણ બેદરકારી હોય તો તે બાબતે સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. બાળકોએ પરીક્ષાની તૈયારી કરી છે, અમે તેમની મહેનતને ભૂલી શકતા નથી.

બેન્ચે સરકાર અને એનટીએને એમ પણ કહ્યું કે કલ્પના કરો કે જે વ્યક્તિ સિસ્ટમ સાથે છેતરપિંડી કરે છે તે ડોક્ટર બને છે, તે સમાજ માટે વધુ ખતરનાક છે. કૌભાંડને લગતી અરજીઓ 8મી જુલાઈના રોજ સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવી છે. વકીલોને પણ એક જ દિવસે તમામ કેસની દલીલ કરવાની સૂચના આપવામાં આવી છે.

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચે કહ્યું કે અમે આ પરીક્ષાઓની તૈયારીમાં બાળકોની મહેનતથી વાકેફ છીએ. કોર્ટે કહ્યું કે ધારો કે આ સિસ્ટમ સાથે છેતરપિંડી કરીને કોઈ વ્યક્તિ ડોક્ટર બની જાય છે. આવી વ્યક્તિ સમાજ માટે હાનિકારક છે. બેન્ચે કહ્યું કે પરીક્ષાનું સંચાલન કરતી એજન્સીનું પ્રતિનિધિત્વ કરતી વખતે તમારે મક્કમતાથી ઊભા રહેવું પડશે. જો કોઈ ભૂલ થઈ હોય તો તેને સ્વીકારીને સમજાવવું જોઈએ અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે. આનાથી તમારા પરફોર્મન્સમાં આત્મવિશ્વાસ વધે છે.

અગાઉ 11 જૂનના રોજ ત્રણ અરજીઓની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે NTAને નોટિસ જારી કરી હતી અને કાઉન્સેલિંગ પ્રક્રિયાને રોકવાનો ઇનકાર કર્યો હતો. 13 જૂને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે ગ્રેસ માર્ક્સ મેળવનારા 1563 ઉમેદવારોના સ્કોર કાર્ડ રદ કરવામાં આવશે અને ગ્રેસ માર્કસ વિનાના સ્કોર કાર્ડ આપવામાં આવશે. 4 જૂને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEETનું પરિણામ જાહેર કર્યું હતું. આ પહેલીવાર છે જ્યારે 67 ઉમેદવારોએ 720માંથી 720 માર્ક્સ મેળવ્યા છે.

Most Popular

To Top