છેલ્લા ઘણા મહિનાઓથી ખતરનાક સ્તર પર રહેલ દિલ્હી NCRનું વાતાવરણ સુધરવાનું શરૂ થયું છે. આ કારણે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં લાગુ કરાયેલા ગ્રેપ 4ના કેટલાક પ્રતિબંધોમાં છૂટછાટ આપી છે. સુપ્રીમ કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) ને ગ્રુપ 2 થી નીચેના પ્રતિબંધોને હળવા ન કરવા જણાવ્યું હતું. ગ્રેપ 3 માં કેટલાક પગલાં ઉમેરવાનું પણ ધ્યાનમાં લેવા જણાવ્યું હતું. 18 નવેમ્બરના રોજ સર્વોચ્ચ અદાલતે તમામ દિલ્હી-એનસીઆર રાજ્યોને પ્રદૂષણ વિરોધી GRAP 4 પ્રતિબંધોને સખત રીતે લાગુ કરવા માટે તરત જ ટીમો બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આગામી આદેશો સુધી પ્રતિબંધ ચાલુ રહેશે.
રાજધાનીમાં બદલાતી દિશા અને પવનની વધતી ઝડપને કારણે હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીમાં પહોંચી છે. લોકોએ લાંબા સમય બાદ આ ગ્રેડની હવાનો શ્વાસ લીધો છે. જેના કારણે આકાશ પણ સંપૂર્ણ સ્વચ્છ રહ્યું હતું. જેના કારણે લોકોને લગભગ બે મહિના બાદ પ્રદૂષિત હવામાંથી રાહત મળી છે. બુધવારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 178 હતો, જે મધ્યમ શ્રેણીમાં છે. આ મંગળવાર કરતાં 100 ઇન્ડેક્સ ઓછો છે. આ પહેલા 10 ઓક્ટોબરે AQI 164 રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ પછી શિયાળાની શરૂઆત સાથે હવાની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.
ગ્રેપ 4 હેઠળ સંખ્યાબંધ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. આમાં આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતી અથવા સ્વચ્છ ઇંધણ (LNG/CNG/BS-VI ડીઝલ/ઇલેક્ટ્રિક)નો ઉપયોગ કરતી ટ્રક સિવાય કોઇપણ ટ્રકને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ઈલેક્ટ્રિક વાહનો (EVs), CNG વાહનો અને BS-VI ડીઝલવાળા વાહનો સિવાય દિલ્હીની બહાર નોંધાયેલા હળવા કોમર્શિયલ વાહનો પણ પ્રતિબંધ હેઠળ હતા. હાઇવે, રસ્તા, પુલ અને અન્ય જાહેર પ્રોજેક્ટ સહિત તમામ બાંધકામ પ્રવૃત્તિઓ પર કામચલાઉ રોક લગાવવામાં આવી હતી.
ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન શું છે?
ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) સૌપ્રથમ 2017 માં લાગુ કરવામાં આવ્યો હતો. તેના દ્વારા રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિની ગંભીરતા અનુસાર વાયુ પ્રદૂષણ વિરોધી પગલાં લાગુ કરવામાં આવે છે.
AQI ધોરણ
AQI ‘સારા’ તરીકે 0-50, ‘સંતોષકારક’ તરીકે 51-100, ‘મધ્યમ’ તરીકે 101-200, ‘ખરાબ’ તરીકે 201-300, ‘ખૂબ ખરાબ’ તરીકે 301-400 અને 401-500ની વચ્ચે છે તેને ‘ગંભીર’ શ્રેણીમાં ગણવામાં આવે છે.