National

દિલ્હી-NCRમાં વરસાદને કારણે પ્રદૂષણમાં મોટી રાહત, AQI 400થી ઘટીને 100 પહોંચ્યું

નવી દિલ્હી: દિલ્હી એનસીઆરને (Delhi-NCR) વાયુ પ્રદૂષણથી (Air Pollution) રાહત મળી છે. ગુરુવારે રાતથી પડી રહેલા ભારે વરસાદે (Heavy rain) દિલ્હીના લોકોને દિવાળીની (Diwali) ભેટ આપી છે. અત્યાર સુધીના અહેવાલો અનુસાર દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તા (AQI) 400 થી ઘટીને 100 થઈ ગઈ છે. દિલ્હીમાં પ્રદૂષણથી બચવા માટે સરકાર કૃત્રિમ વરસાદની તૈયારીઓ કરી રહી હતી, જ્યારે કુદરતે દિલ્હી-NCR પર મહેરબાની કરી છે અને ગુરુવારે મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે.

દિલ્હી-નોઈડાના ઘણા વિસ્તારોમાં રાતભર ભારે વરસાદ પડ્યો હતો. હવામાનમાં ફેરફારને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઉપરાંત પ્રદૂષણમાંથી પણ મોટી રાહત મળી છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI સ્તર 400 થી ઘટીને 100 થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના બવાના, કાંઝાવાલા, મુંડકા, જાફરપુર, નજફગઢ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં વરસાદ પડ્યો હતો.

IMDએ જણાવ્યું કે બહાદુરગઢ, ગુરુગ્રામ, માનેસર સહિત NCRના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો. આ સાથે હરિયાણાના રોહતક, ખરખોડા, મત્તનહેલ, ઝજ્જર, ફરુખનગર, કોસલીની આસપાસના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આનાથી પ્રદૂષણમાંથી રાહત મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે શુક્રવારે દિલ્હીમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવા વરસાદની શક્યતા છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં 24-કલાકનો સરેરાશ AQI 437 હતો, જે “ગંભીર” શ્રેણીમાં આવે છે.

આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતીએ કહ્યું કે દિલ્હીમાં વરસાદ થઈ રહ્યો છે, તે કૃત્રિમ વરસાદ નથી, પરંતુ ભગવાને વરસાદ મોકલ્યો છે. ભગવાન હંમેશા અરવિંદજી અને આમ આદમી પાર્ટી સાથે છે. જો કે દિલ્હી-એનસીઆર આ દિવસોમાં પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકારે પણ કૃત્રિમ વરસાદની તૈયારી કરી લીધી છે. 20 અને 21 નવેમ્બરની આસપાસ દિલ્હીમાં કૃત્રિમ વરસાદ કરવામાં આવશે. પરંતુ આ પહેલા સરકારે પાયલોટ સ્ટડી કરાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થશે.

Most Popular

To Top