National

લિવ ઇન રિલેશનનો વધુ એક કરૂણ અંજામ, ગર્લફ્રેન્ડની હત્યા કરી બીજી યુવતી સાથે લગ્ન કરવા પહોંચ્યો

દિલ્હી: (Delhi) દિલ્હીમાં શ્રદ્ધા વાલકર હત્યા કેસને (Murder Case) લોકો હજુ ભૂલી પણ નથી શક્યા કે બીજી એવી ઘટના સામે આવી છે. આ કેસમાં પણ યુવતીની લાશને ફ્રિજમાં (Fridge) સંતાડી દેવામાં આવી હતી. ગર્લફ્રેન્ડ નિક્કી યાદવ નામની યુવતી સાથે લિવ-ઇન પાર્ટનરશીપમાં (Live-in Relationship) રહેતા સાહિલ ગેહલોતે તેની હત્યા કરી તેની લાશને ફ્રિજમાં રાખીને બીજી યુવતી સાથે લગ્ન કરવા પહોંચી ગયો હતો. દિલ્હીની એક અદાલતે (Court) બુધવારે તેને લિવ-ઇન પાર્ટનરની હત્યા અને તેના મૃતદેહને રેફ્રિજરેટરમાં રાખવાના આરોપસર પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર લીધો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું કે મિતરાંવ ગામના રહેવાસી સાહિલ ગેહલોતે તેની ગર્લફ્રેન્ડની હત્યા કરી અને તેના મૃતદેહને રેફ્રિજરેટરમાં રાખ્યો અને તે જ દિવસે બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા માટે નીકળી ગયો.

મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અર્ચના બેનીવાલે આરોપીને પૂછપરછ માટે પાંચ દિવસ માટે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રિમાન્ડ પર આપ્યો હતો. કોર્ટે પોલીસની અરજી પર આ આદેશ આપ્યો હતો. તેની રિમાન્ડ અરજીમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપીને એવા સ્થળોએ લઈ જવાની જરૂર છે જ્યાં તે પીડિતા સાથે ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે તપાસકર્તાઓ ગુના સાથે સંબંધિત સ્થળોએ શોધ હાથ ધરીને પુરાવા એકત્રિત કરવા માંગે છે.

આ ઘટના 14 ફેબ્રુઆરીએ પ્રકાશમાં આવી હતી જ્યારે પોલીસે આરોપીના કહેવા પર 23 વર્ષની મહિલાનો મૃતદેહ મેળવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ તેની મહિલા મિત્ર નિક્કી યાદવથી છુપાવ્યું હતું કે તે બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. પોલીસે જણાવ્યું કે જ્યારે નિક્કીને લગ્નની ખબર પડી ત્યારે તેણે આરોપી સાથે ઝઘડો કર્યો હતો. જેના કારણે તેની હત્યા કરવામાં આવી હતી. બાબા હરિદાસનગર વિસ્તારમાં નિક્કીની હત્યા કરવામાં આવી હતી અને તેની લાશને ઢાબાના ફ્રિજમાં છુપાવી રાખવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ સાહિલ ગેહલોતે 10 ફેબ્રુઆરી 2023એ પોતાની પ્રેમિકાની હત્યા કરી હતી. પહેલા તેણે મોબાઈલના ચાર્જિંગ કેબલથી તેનું ગળું દબાવ્યું હતું અને પછી તેની લાશનો નિકાલ કરવા નિકળ્યો હતો. સાહિલે પોતાની ગાડીમાં સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યાર પછી ઘણા કલાકો સુધી તે નિક્કીની લાશને પોતાની ગાડીમાં લઈને ફરતો રહ્યો. ત્યાર પછી તે બાબા હરિદાસ પોલીસ સ્ટેશન પાસે આવેલ એક ઢાબામાં ગયો હતો. આ ઢાબુ બંધ હતું. તેણે ઢાબાના મોટા ફ્રિજમાં લાશ છુપાવી દીધી હતી અને ત્યાંથી નીકળી ગયો હતો.

નિક્કી અને સાહિલ છેલ્લા 5 વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને લિવ-ઈન રિલેશનશિપમાં હતા. નિક્કી અને સાહિલની પહેલી મુલાકાત જાન્યુઆરી 2018માં દિલ્હીના ઉત્તર નગરમાં થઈ હતી. બંને એક જ બસમાં કોચિંગ માટે જતા હતા. આ દરમિયાન તેમની મિત્રતા થઈ હતી. પછી બંને ગ્રેટર નોઈડાની એક જ કોલેજમાં ભણવા લાગ્યા હતા. જ્યાં બંને ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. દરમિયાન સાહિલના પરિવારના સભ્યોએ તેના લગ્ન અન્ય એક છોકરી સાથે નક્કી કર્યા હતા જેની સાથે સાહિલે મર્ડરના દિવસે જ સવારે સગાઈ કરી હતી.

Most Popular

To Top