વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોમવારે મધ્યપ્રદેશની મુલાકાત લીધી હતી. પીએમ મોદી લગભગ 3.30 વાગ્યે ગ્વાલિયર પહોંચ્યા હતા જ્યાં તેમણે લગભગ 19,260 કરોડ રૂપિયાના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વે (Delhi Vadodra Expressway) પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ એક્સપ્રેસ વે ખુલ્લો થતાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને વડોદરા વચ્ચેની મુસાફરી માત્ર 10 કલાકની થઈ જશે. તે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો એક ભાગ છે. આ પહેલા પ્રથમ ભાગનું લોકાર્પણ થઈ ચુક્યું છે.
આ એક્સપ્રેસ વે અંદાજે 11,895 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આને દેશભરમાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાની બીજી પહેલ ગણાવી છે. તમને જણાવી દઈએ કે આ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો બીજો સેક્શન છે. અગાઉ 11 ફેબ્રુઆરી 2023 ના રોજ વડા પ્રધાને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના 246 કિલોમીટર લાંબા દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.
જણાવી દઈએ કે રાજધાની દિલ્હીથી શરૂ થઈને આ એક્સપ્રેસ વે સોહના, દૌસા, લાલસોટ સવાઈ માધોપુર, કોટા, રતલામ દાહોદ અને ગોધરામાંથી પસાર થતા વડોદરાને આવરી લેશે. આ સાથે તે જયપુર, ચિત્તોડગઢ, ઈન્દોર, ઉજ્જૈન, ભોપાલ અને અમદાવાદ જેવા મોટા શહેરોને પણ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. દિલ્હી-વડોદરા વિભાગ મધ્યપ્રદેશમાં કુલ 244 કિમીનું અંતર કાપશે.
નવા એક્સપ્રેસ વેથી મુસાફરોનો મુસાફરીનો સમય લગભગ અડધો થઈ જશે. અગાઉ બંને શહેરો વચ્ચે અલગ-અલગ રૂટ દ્વારા મુસાફરી કરવામાં લગભગ 18-20 કલાકનો સમય લાગતો હતો. હવે દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વે ખુલ્લો થતાં દિલ્હી અને વડોદરા વચ્ચેનો રોડ પ્રવાસનો સમય ઘટીને માત્ર 10 કલાક થઈ જશે.
આ રૂટની સૌથી ઝડપી ટ્રેન તેજસ કરતા એક્સપ્રેસ વે નો મુસાફરીનો સમય 10 કલાક ઓછો છે. દિલ્હી અને વડોદરા વચ્ચે સૌથી ઝડપી ટ્રેન મુંબઈ સેન્ટ્રલ તેજસ રાજધાની છે જે 10 કલાક અને 45 મિનિટ લે છે. જો અન્ય ટ્રેનોની વાત કરીએ તો તે 12 થી 15 કલાકની વચ્ચે સમય લે છે. અગાઉ રોડ માર્ગે બંને શહેરો વચ્ચેનું અંતર 1,000 કિલોમીટરથી વધુ હતું. જોકે નવા એક્સપ્રેસ વેથી આ અંતર ઘટીને માત્ર 845 કિમી થઈ જશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે શું છે?
વડાપ્રધાન મોદીએ સોમવારે જે દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વેનું લોકાર્પણ કર્યું તે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો બીજો વિભાગ છે. વાસ્તવમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો શિલાન્યાસ 9 માર્ચ, 2019 ના રોજ કરવામાં આવ્યો હતો. 12,150 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો 246 કિલોમીટર લાંબો દિલ્હી-દૌસા-લાલસોટ વિભાગ ફેબ્રુઆરી 2023થી કાર્યરત છે. આ વિભાગ શરૂ થવાથી દિલ્હીથી જયપુરની મુસાફરીનો સમય 5 કલાકથી ઘટીને લગભગ 3.5 કલાક થઈ ગયો છે. સમગ્ર પ્રોજેક્ટની વાત કરીએ તો 1,386 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે 98,000 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.