નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) શનિવારે સિઝનનો પહેલો ભારે વરસાદ (Rain) ખાબક્યો હતો. શનિવારે પડેલા વરસાદમાં દિલ્હીમાં વરસાદનો 41 વર્ષનો રેકોર્ડ (Record) તૂટી ગયો છે. જ્યાં 1982 પછી એક દિવસમાં સૌથી વધુ વરસાદ પડ્યો હોય. આ સાથે ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે જેનાં કારણે દિલ્હીના સીએમએ તમામ સરકારી અધિકારીઓની રજા રદ કરી છે. તમામ અધિકારીઓને ફિલ્ડ પર રહેવા અને વ્યવસ્થા સુધારવા સૂચના આપવામાં આવ્યાં છે. હિમાચલમાં વીજળી પડવાથી 5 લોકો, જમ્મુમાં 2 અને યુપીમાં 3 લોકોના મોત થયા છે. ભારે વરસાદમાં સેનાના બે જવાનો સહિત 12 લોકોના મોત થયા છે.
રવિવાર સવારથી દિલ્હી-એનસીઆરના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે સવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. દિલ્હીમાં સતત વરસાદને કારણે પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદની અસર લોકોની અવરજવર પર પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પંજાબ, હરિયાણા, યુપી અને પૂર્વ રાજસ્થાન માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, આગામી 24 કલાક માટે દિલ્હીમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
સફદરગંજ વિસ્તારમાં સવારે 8:30 વાગ્યા સુધી 253 મીમી વરસાદ નોંધાયો હતો. 2003માં 24 કલાકમાં 133.4 મીમી વરસાદ નોંધાયો હતો. અને 2013માં દિલ્હીમાં 123.4 મીમી વરસાદ નોંધાયો હતો. અગાઉ 25 જુલાઈ 1982ના રોજ જુલાઈના એક જ દિવસમાં (24 કલાક) 169.9 મીમી વરસાદ નોંધાયો હતો. IMDએ દિલ્હીમાં 2-3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ અઠવાડિયે દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ પડશે. ત્યાર બાદ હળવો વરસાદ પડશે. આ દરમિયાન ગરમીથી થોડી રાહત મળશે.
દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદના કારણે સમગ્ર જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે. રસ્તાઓથી લઈને અંડરપાસ સુધી પાણી ભરાઈ ગયા છે. કાદવે રસ્તાઓ બ્લોક કરી દીધા છે. ત્યારે આવી પરિસ્થિતમાં દિલ્હીમાં કેજરીવાલની સરકારે પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ મેનપાવર સાથે સ્થિતિ સંભાળવા માટે કામમાં લાગી ગઈ છે. દિલ્હી સરકારે તમામ વિભાગોના અધિકારીઓની રવિવારની રજા રદ કરી દીધી છે. સીએમ અરવિંદ કેજરીવાલે મંત્રીઓ અને અધિકારીઓને ફિલ્ડમાં જવા સૂચના આપી છે.
હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આગામી 24 કલાકમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરન , ત્રિપુરા, ઓડિશા, ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રમાં ભરે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદના કારણે દિલ્હી મેટ્રો બ્રિજ અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાઈ જતા તેને બંધ કરવામાં આવ્યો હતો. મેટ્રો બ્રિજની સાથે ખાન માર્કેટમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આ સાથે દિલ્હીમાં કેટલાક સાંસદોના બંગલામાં પણ પાણી ભરાઈ ગયુ હતું.