National

મોદી સરકારનો મોટો નિર્ણય: જે દિવસે ઇમરજન્સી લાગુ કરાઈ હતી તે 25 જૂન ‘બંધારણ હત્યા દિવસ’ જાહેર

નવી દિલ્હી: (New Delhi) મોદી સરકારે (Modi Government) એક મોટો નિર્ણય લેતા 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે જાહેર કર્યો છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 25 જૂન 1975ના રોજ દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 25 જૂનને ‘બંધારણીય હત્યા દિવસ’ તરીકે જાહેર કરવાની માહિતી આપી હતી.

અમિત શાહે ટ્વીટ કર્યું કે 25 જૂન, 1975ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પોતાની સરમુખત્યારશાહી માનસિકતા બતાવતા દેશમાં ઈમરજન્સી લાદીને ભારતીય લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું. લાખો લોકોને કોઈપણ કારણ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો. ભારત સરકારે દર વર્ષે 25મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસ આપણને 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના અપાર યોગદાનની યાદ અપાવે છે.

લાખો લોકોના સંઘર્ષનું સન્માન
ગૃહમંત્રી અમિત શાહે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, PM મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય એવા લાખો લોકોના સંઘર્ષનું સન્માન કરવાનો છે જેમણે અસંખ્ય યાતનાઓ અને જુલમનો સામનો કરીને લોકશાહીને પુનર્જીવિત કરી છે. ‘સંવિધાન હત્યા દિવસ’ લોકશાહીનું રક્ષણ કરવા અને દરેક ભારતીયની અંદર વ્યક્તિગત સ્વતંત્રતાની અમર જ્યોતને જીવંત રાખવા માટે કામ કરશે, જેથી ભવિષ્યમાં કોંગ્રેસ જેવી કોઈ સરમુખત્યારશાહી માનસિકતા તેનું પુનરાવર્તન ન કરી શકે.

જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન 25 જૂન, 1975ના રોજ સમગ્ર દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. તત્કાલીન સરકારનો નિર્ણય ઘણો વિવાદાસ્પદ હતો. ઇન્દિરા સરકારે તેને લાગુ કરવા માટે રાજકીય અસ્થિરતાને પણ કારણ ગણાવી હતી. કટોકટી દરમિયાન પ્રેસ પર સેન્સરશીપ લાદવાની સાથે નાગરિકોના સ્વતંત્રતાનો અધિકાર પણ મર્યાદિત હતો.

Most Popular

To Top