National

દિલ્હી મેટ્રોમાં અશ્લીલતા ફેલાવનાર યુવક સામે FIR દાખલ, પોલીસે લોકોને કરી અપીલ

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીની મેટ્રો (Delhi Metro) હાલમાં વિચિત્ર કારણોસર ચર્ચામાં છે. દિલ્હી (Delhi) મેટ્રોમાં મુસાફરો દ્વારા અશ્લીલ ચેનચાળાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. અવારનવાર યુવક યુવતીઓ દ્વારા અશ્લીલ, બિભત્સ હરકતો કરાતી હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેના પગલે હવે દિલ્હી પોલીસ (Delhi Police) સતર્ક થઈ છે.

અશ્લીલ હરકતો કરી રહેલા લોકો સામે દિલ્હી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં એક યુવક મેટ્રોમાં અશ્લીલ હરકતો કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થયો હતો. આ યુવકને દિલ્હી પોલીસ શોધી રહી છે. દિલ્હી મેટ્રોમાં અશ્લીલ ચેનચાળા કરી રહેલા યુવકનો પોલીસ દ્વારા ફોટો જાહેર કરાયો છે. દિલ્હી પોલીસે લોકોને અપીલ પણ કરી છે કે, દિલ્હી મેટ્રોમાં અશ્લીલ હરકતો કરી રહેલા યુવકની પોલીસને જાણકારી આપે, આ યુવકની જાણકારી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

દિલ્હી પોલીસે આ યુવકનો ફોટો પણ જારી કર્યો છે. ફોટો જાહેર કરવા સાથે પોલીસે એક નોટીસ ઈશ્યુ કરી છે, જેમાં યુવક વિરુદ્ધ પીએસ આઈજીઆઈએ મેટ્રોમાં FIR નંબર 02/23 દાખલ કરવામાં આવી હોવાની જાણકારી જાહેર કરાઈ છે. યુવક વિશે IGIA મેટ્રોના SHOને અથવા પોલીસ હેલ્પલાઇનની મદદથી જાણ કરવા આ નોટિસમાં અપીલ કરાઈ છે. જાણકારી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

દિલ્હી મેટ્રો રલ નિગમ દ્વારા ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે
દિલ્હી મેટ્રો રેલ નિગમ(DMRN) દ્વારા ગાઈડલાઈન્સ પણ જારી કરવામાં આવી હતી. મેટ્રોમાં યાત્રીઓને યાત્રા દરમિયાન શરીર ઢંકાઈ એવા મર્યાદામાં રહીને વસ્ત્રો પહેરવા, યાત્રા કરતી વખતે યોગ્ય વર્તણૂંક કરવા જેવી બાબતોનો આ ગાઈડલાઈન્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મેટ્રો સંચાલન અધિનિયમની કલમ 59 અંતર્ગત મેટ્રોમાં અશ્લીલ ચેનચાળા કરવા એ ગુનો છે. જો કોઈ યાત્રીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવશે તો અશ્લીલતા ફેલાવનારને સજા પણ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે યુવક દ્વારા ફેલાવાતી અશ્લીલતાના વીડિયો વાયરલ થયા પછી દિલ્હી મેટ્રો દ્વારા સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. દિલ્હી મેટ્રો પોલીસ દ્વારા સતત પટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યુ છે. અશ્લીલ હરકતો કરનાર લોકોને રોકવા માટે મેટ્રો દ્વારા મહત્વના પગલા પણ ભરવામાં આવ્યા છે.

Most Popular

To Top