National

દિલ્હી-મેરઠ એકસ્પ્રેસ વે પર બસ અને કાર વચ્ચે અકસ્માત, 6નાં કમકમાટીભર્યા મોત

નવી દિલ્હીઃ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે (Delhi-Merath Expressway) પર એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) થયો છે. અહીં એક બસ (Bus) અને TUV 300 કાર (Car) વચ્ચે જોરભેર અકસ્માત થયો હતો જેમાં 6 લોકોના ઘટના સ્થળ પર કમકમાટી ભર્યા મોત (Death) થયા હતા. ડીસીપી ગ્રામ્ય ઝોને આ વાતની પુષ્ટિ કરી છે. NH 9 પર લાલકુઆંથી દિલ્હી (Delhi) જતી લેનમાં આ અકસ્માત થયો હતો. પોલીસ (Police) અને ડીએમઈની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ક્રોસિંગ રિપબ્લિક પોલીસ સ્ટેશન વિસ્તારના રાહુલ વિહારની સામે બની હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહો કારમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા અને તેમને બહાર કાઢવા માટે પોલીસકર્મીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. કટર વડે ગેટ કાપીને મૃતદેહોને બહાર કાઢવો પડ્યા હતાં. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા 8 વર્ષના બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ દુર્ઘટના અંગે એડિશનલ ડીસીપી ટ્રાફિક રામાનંદ કુશવાહાએ જણાવ્યું કે, ‘દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર સવારે લગભગ 6 વાગે સ્કૂલ બસ અને TUV કાર વચ્ચે ટક્કર થઈ હતી. બસ ચાલક સીએનજી ભરીને રોંગ સાઈડથી આવી રહ્યો હતો તે જ સમયે TUV 300માં બેસેલા લોકો મેરઠથી આવી રહ્યા હતા તેઓએ ગુડગાંવ જવાનું હતું આ જ સમયે કાર અને બસ સામ-સામે અથડાતા 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ હતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. રોંગ સાઈડ પરથી આવનાર બસનો ડ્રાઈવર ઝડપાઈ ગયો છે. કુશવાહાએ કહ્યું, ‘કારમાં કુલ 8 લોકો હતા. જેમાં 2 બાળકો, 2 પુરૂષ અને 2 મહિલાઓ હતા. કારમાં સવાર બાકીના મુસાફરો પણ પરિવારના જ હતા. કુશવાહાએ જણાવ્યું બસ બાલ ભારતી સ્કૂલ નોઈડાની હતી. અને આ મામલાની તપાસ પણ ચાલી રહી છે.

Most Popular

To Top