સુરત: દિલ્હી (Delhi) જેવી જઘન્ય ઘટના સુરતમાં (Surat) બની છે. થોડા દિવસ પહેલાં દિલ્હીમાં એક યુવતીની ઢસડીને હત્યા કરવાની ઘટના બની હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતાં. આવી જ ઘટના સુરતમાં બની છે. અહીં બાઈક પર જઈ રહેલાં દંપતિને ટક્કર માર્યા બાદ કારચાલકે યુવકને 12 કિ.મી. સુધી ઢસડ્યો હતો, જેના લીધે યુવકનું મોત નિપજ્યું હતું. બે દિવસ બાદ યુવકનો મૃતદેહ મળ્યો હતો. યુવકની પત્ની સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે એક જાગૃત નાગરિકની મદદથી પોલીસે હીટ એન્ડ રનના આ કેસમાં અકસ્માત કરનાર કારનો કબ્જો મેળવ્યો છે. કાર ચાલક ફરાર છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના લિંબાયત વિસ્તારમાં નીલગીરી સર્કલ પાસે રહેતા 24 વર્ષનો મરાઠી યુવક સાગર પાટીલ પત્ની અશ્વિની પાટીલને સંબંધીના ઘરેથી લેવા બગુમરા ગયો હતો. બગુમરાથી દંપતિ બાઈક પર પરત સુરત આવી રહ્યું હતું ત્યારે તા. 18 જાન્યુઆરીની રાત્રિના 10 વાગ્યે પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામની સીમ પાછળથી એક કાર પૂરપાટ ઝડપે આવી હતી. આ કારે દંપતિની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતના લીધે બાઈક પર પાછળ બેસેલી અશ્વિની પાટીલ ફંગોળાઈને રસ્તા પર પડી હતી, જ્યારે સાગર પાટીલ કાર સાથે ઢસડાયો હતો. ચાલકે કાર થોભાવી નહોતી, જેના પગલે લગભગ 12 કિ.મી. સુધી સાગર પાટીલ કાર સાથે ઢસડાયો હતો. જેના લીધે તેનું મોત નિપજ્યું હતું.
12 કિ.મી. સુધી ઢસડાયો હોવાના લીધે સાગર પાટીલનો મૃતદેહ ક્ષતવિક્ષત થઈ ગયો હતો. બે દિવસ બાદ તેનો મૃતદેહ અકસ્માત સ્થળથી 12 કિ.મી. દૂર મળ્યો હતો. આ તરફ ઈજાગ્રસ્ત અશ્વિની પાટીલને લોકોએ હોસ્પિટલમાં ખસેડી હતી. આ તરફ અકસ્માતના આ કેસમાં પોલીસે હીટ એન્ડ રન કરનાર કારચાલકને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ ગ્રામીણ રસ્તાઓ પર સીસીટીવી કેમેરા નહીં હોય પોલીસને કોઈ ભાળ મળી રહી નહોતી.
દરમિયાન એક જાગૃત નાગરિકે સામેથી પોલીસનો સંપર્ક કર્યો હતો. સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરના જણાવ્યા મુજબ પોલીસની ટીમ હત્યારાને શોધી રહી હતી ત્યારે બે દિવસ બાદ એક જાગૃત નાગરિક આવ્યા હતા અને તેઓએ કારના નંબર સાથેનો વીડિયો આપ્યો હતો. ખરેખર અકસ્માત બાદ જાગૃત નાગરિકની કાર અકસ્માત કરનાર કારની પાછળ હતી અને તેઓએ વીડિયો ઉતાર્યો હતો. જે ગુનો ઉકેલવા માટે મહત્ત્વનો પુરાવો બની રહ્યો છે.