National

દિલ્હીના નવા ઉપરાજ્યપાલ: અનિલ બૈજલનું સ્થાન લેશે વિનય કુમાર સક્સેના

દિલ્હી: દિલ્હીના (Delhi) ઉપરાજ્યપાલ પદેથી અનિલ બૈજલના રાજીનામા આપ્યા પછી નવા એલજીનું નામ સામે આવ્યું છે. વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તેઓ દિલ્હીના 22મા ઉપરાજ્યપાલ બન્યા છે. સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અનિલ બૈજલનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને વિનય કુમાર સક્સેનાને દિલ્હીના નવા ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. મળતી માહિતી મુજબ વિનય કુમાર સક્સેના ખાદી ગ્રામોદ્યોગના ચેરમેન રહી ચૂક્યા છે. તેમણે 27 ઓક્ટોબર 2015ના રોજ અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

નવા એલજીની નિમણૂક પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીના લોકો વતી હું નવા નિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર સર વિનય કુમાર સક્સેનાનું હાર્દિક સ્વાગત કરું છું. દિલ્હીના વિકાસ માટે તેમને દિલ્હી સરકારની કેબિનેટ તરફથી તેમને જોઈતી તમામ સુવિધા મળશે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું અને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું.

18મેના રોજ અનિલ બૈજલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપી દીધું હતું
ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પોતાનું રાજીનામું 18મેના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપી દીધું હતું. તેઓના રાજીનામા આપવા પાછળના કોઇ ચોક્કસ કારણો આપ્યા ન હતા પરંતુ તેઓએ આ અંગે અંગત કારણો આપ્યા હતા. પૂર્વ IAS અધિકારી બૈજલને 31 ડિસેમ્બર 2016ના રોજ ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 31 ડિસેમ્બર 2021ના ​​રોજ તેઓના કાર્યકાળના 5 વર્ષ પૂર્ણ થયા હતા. પરંતુ દિલ્હીના ઉપરાજ્યપાલનો કાર્યકાળ અનિશ્ચિત હોય છે.

મળતી માહિતી મુજબ દિલ્હીની સીએમ કેજરીવાલની સરકાર અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચે ઘણી બાબતો અંગે તકરારો થઈ હતી. બૈજલે દિલ્હી સરકારની 1000 બસોની ખરીદી પ્રક્રિયાની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની એક સમિતિ બનાવી હતી. જો કે ભારતીય જનતા પાર્ટીના સભ્યો આ મામલા અંગે સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યાં હતા. ઉપરાજ્યપાલ દ્વારા રચવામાં આવેલી પેનલમાં એક નિવૃત્ત IAS અધિકારી, તકેદારી વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને દિલ્હી સરકારના ટ્રાન્સપોર્ટ કમિશનરનો સમાવેશ થાય છે. આ મુદ્દે પણ તેમની કેજરીવાલ સરકાર સાથે ઘણી ટક્કર થઈ હતી.

પૂર્વ IAS અધિકારી બૈજલને 31 ડિસેમ્બર 2016ના રોજ ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં ઉપરાજ્યપાલ બૈજલ અને આમ આદમી પાર્ટી (AAP) સરકાર વચ્ચે વિવિધ મુદ્દાઓ પર હંમેશા ઝઘડો થતો રહ્યો છે. આ વર્ષે પણ કોરોનાની ચોથી લહેર દરમિયાન દિલ્હી સરકાર અને LG વચ્ચે ઓડ-ઇવન નિયમ પર કોઈ સહમતિ બની શકી ન હતી. આ દરમિયાન એલજી અનિલ બૈજલે કેજરીવાલ સરકારના પ્રસ્તાવનો અસ્વીકાર કરી દીધો હતો.

અનિલ બૈજલ 1969 બેચના IAS અધિકારી હતા અને વાજપેયી સરકારમાં કેન્દ્રીય ગૃહ સચિવ હતા. આ સિવાય તેમણે અન્ય મહત્વપૂર્ણ મંત્રાલયોમાં પણ પોતાની સેવા આપી હતી. તેઓ 2006માં શહેરી વિકાસ મંત્રાલયના સચિવ તરીકે નિવૃત્ત થયા હતા.

Most Popular

To Top