નવી દિલ્હી: (New Delhi) દેશમાં કોરોના વાયરસના (Corona Virus) સંક્રમણના કેસમાં ઝડપી વધારો ચાલુ જ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા 2.82 લાખ કેસ મળી આવ્યા છે. કોરોના કેસમાં ઉછાળાને ધ્યાનમાં રાખીને દેશનાં વિવિધ રાજ્યોએ નાઇટ કર્ફ્યુ સહિત વિવિધ રીતે પ્રતિબંધો મૂક્યા છે. દરમિયાન ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો (International Flight) પર 28 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું.
ડીજીસીએએ જારી કરેલા એક નિવેદન મુજબ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો પર લાગેલા પ્રતિબંધને 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. જોકે, ડીજીસીએ દ્વારા મળેલી પરવાનગી મુજબ આ સમય દરમિયાન કાર્ગો ફ્લાઇટ્સ ઊડી શકશે. તેમ જ બબલ એગ્રીમેન્ટ હેઠળ ઉડનાર ફ્લાઇટ્સ પણ પહેલાની જેમ જ સંચાલિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે ભારત સરકાર દ્વારા 23 માર્ચ 2020થી જ નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 8,961 કેસ મળી આવ્યા છે. રસીના લગભગ 158.88 કરોડ ડોઝ લગાડવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 28 પોલીસકર્મીઓ સંક્રમિત જોવા મળ્યા છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 10,666 પોલીસકર્મીઓ પોઝિટિવ મળી આવ્યા છે અને 127ના મોત થયા છે. અહીં 1,273 પોલીસ કર્મીઓ હજુ પણ સંક્રમિત છે. કેરળમાં કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી દીધી છે. રાજ્યમાં એક દિવસમાં ICUમાં દાખલ દર્દીઓની સંખ્યામાં 15%નો વધારો થયો છે. આવા દર્દીઓમાં 20% નો વધારો થયો છે, જેમને ઓક્સિજનની જરૂર છે. કેરળમાં મંગળવારે 28,481 કેસ નોંધાયા હતા અને 39 લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં કુલ 54.30 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે.
ભારતમાં લોકડાઉનની હાલ જરૂર નથી
ભારતમાં કોરોના વાયરસના ત્રીજા મોજાના કેસો વધી રહ્યા હોવા છતાં, હાલમાં સંપૂર્ણ લોકડાઉન લાદવાની જરૂર નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ વાત કહી છે. ભારતમાં WHOના પ્રતિનિધિ રોડ્રિકો એચ.ઓફિરિન કહે છે કે ભારત જેવા દેશમાં કોરોનાના ફેલાવાને રોકવા માટે સંપૂર્ણ લોકડાઉન અને મુસાફરી પર પ્રતિબંધ લગાવવા જેવા પગલાં નુકસાન પહોંચાડી શકે છે. તેમણે સૂચન કર્યું કે રોગચાળા સામે લડવા માટે જોખમના હિસાબે પ્રતિબંધની વ્યૂહરચના બનાવવી જોઈએ. ઓફ્રીને જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં હાલના સાધનો અને પગલાં અસરકારક સાબિત થઈ રહ્યા છે. રસીકરણ કવરેજ વધારવું, માસ્કનો ઉપયોગ કરવો, હાથની સ્વચ્છતા અને શારીરિક અંતર જાળવવું, ઘરની અંદરની જગ્યાઓને વેન્ટિલેટ કરવું અને ભીડને ટાળવાથી ચેપની સાંકળ તોડવામાં મદદ મળે છે. જો આ બધાનું પાલન કરવામાં આવે તો લોકડાઉનની જરૂર નથી.