National

દિલ્હી: IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, બે હોસ્પિટલોને પણ મળી ધમકી

દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપ્યા બાદ રવિવારે બે હોસ્પિટલોને બોમ્બની ધમકી મળી છે. હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી બાદ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બધા મેઇલ એક જ સરનામાથી આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ વખતે પણ ધમકી આપનાર વ્યક્તિએ જૂની પેટર્નનું પુનરાવર્તન કરતો ઈમેલ મોકલ્યો છે.

દિલ્હીની ઘણી હોસ્પિટલોને બોમ્બની ધમકી મળી છે. આ અંગે હોસ્પિટલોને મેઈલ મળ્યા છે. બડા હિંદુ રાવ, સંજય ગાંધી હોસ્પિટલ, જાનકી દેવી હોસ્પિટલ અને બુરારી હોસ્પિટલને આ સંબંધમાં મેલ મળ્યો છે. આ માહિતી પોલીસને આપવામાં આવી છે. દિલ્હીની સંજય ગાંધી હોસ્પિટલ અને બુરારી હોસ્પિટલને ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઇમેલ મોકલવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ઈમેલ મળ્યા બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી ત્યારબાદ બોમ્બ સ્કવોડ અને ફાયર વિભાગની સાથે પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી. બીજી તરફ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. એરપોર્ટ અને હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

મેલ મળ્યા પછી તંત્ર દ્વારા મેઇલિંગ એડ્રેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે આ કેસમાં પોલીસને કોઈ સુરાગ નથી મળ્યો. દિલ્હી પોલીસની વિશેષ ટીમે ઇન્ટરપોલની મદદથી રશિયાનો સંપર્ક કર્યો છે અને મેલ મોકલનાર વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. જે મેલ આઈડી પરથી શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી તેનું સર્વર રશિયાની રાજધાની મોસ્કોમાં છે. જો કે હજુ સુધી મેઈલ મોકલનારનો કોઈ પત્તો લાગ્યો નથી.

દિલ્હીમાં 25મી મેના રોજ મતદાન
દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો માટે 25 મેના રોજ મતદાન થવાનું છે. તે પહેલા પ્રશાસન દેશની રાજધાનીને સુરક્ષિત રાખવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અસામાજિક તત્વો કે આતંકવાદીઓ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કોઈ ઘટનાને અંજામ આપી શકે છે. સુરક્ષા દળો આનો સામનો કરવા માટે તૈયાર છે.

Most Popular

To Top