National

EDએ દિલ્હી હાઈકોર્ટને કહ્યું- ‘આપ’ પાર્ટીને મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવવામાં આવશે

નવી દિલ્હીઃ (New Delhi) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દિલ્હી દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીને (AAP) પણ આરોપી બનાવશે. મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વકીલે દિલ્હી હાઈકોર્ટમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીને પણ દિલ્હી દારૂ કૌભાંડમાં આરોપી બનાવશે અને આ અંગે પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્મા સમક્ષ દલીલ કરતી વખતે, EDના વકીલે કહ્યું કે આ કેસમાં અમે અમારી આગામી પ્રોસિક્યુશન ફરિયાદ (ચાર્જશીટ)માં ‘આપ’ને સહ-આરોપી બનાવવાના છીએ. વકીલે વધુમાં કહ્યું કે આરોપી પક્ષ આ કેસમાં આરોપ ઘડવાની પ્રક્રિયામાં વિલંબ થાય તે માટે તમામ પ્રયાસો કરી રહ્યો છે. બીજી તરફ સિસોદિયાના વકીલે તેમની જામીનની માંગ કરતા કહ્યું કે ED અને CBI હજુ પણ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના મામલામાં લોકોની ધરપકડ કરી રહી છે. આ કેસનો જલ્દી નિકાલ થવાનો નથી.

સુનાવણી દરમિયાન મનીષ સિસોદિયાના વકીલે ટ્રાયલ કોર્ટના ટ્રાયલમાં વિલંબ માટે આરોપીઓને જવાબદાર ઠેરવવાના નિષ્કર્ષ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને નિરર્થક અરજી ન કહી શકાય. જો તે આવું હતું તો કોર્ટે તેને સુનાવણી માટે સ્વીકારવું ન જોઈએ. જો ટ્રાયલમાં વિલંબ થાય છે તો તેના માટે તપાસ એજન્સીઓનું વલણ જવાબદાર છે.

દિલ્હી હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી
એક વર્ષથી વધુ સમયથી જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી. હાઈકોર્ટ દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર દલીલો સાંભળી હતી.

Most Popular

To Top