નવી દિલ્હી: બોલિવુડના (Bollywood) મિલેનીયમ સ્ટાર અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) અવાજ, ફોટા અને તેમની ઈમેજ પર દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) પ્રતિબંધ (Ban) મુક્યો છે. અરે, ભાઈ ખોટું નહીં સમજો. અમિતાભના અવાજ પર પ્રતિબંધ એટલે કે અમિતાભની મરજી વિના તેમના અવાજ, ફોટા કે ઈમેજના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે. અમિતાભની પરવાનગી લીધા વિના હવે તેમના અવાજ, ઈમેજ અને ફોટાનો ઉપયોગ કરી શકાશે નહીં.
- બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને તેમના વ્યક્તિત્વ અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. તેમના તરફથી જાણીતા વકીલ હરીશ સાલ્વે હાજર રહ્યા હતા. આ મામલો જસ્ટિસ નવીન ચાવલા સમક્ષ ચાલી રહ્યો છે
ખરેખર વાત એમ છે કે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા એડવોકેટ હરિશ સાલ્વેની મદદથી દિલ્હી હાઈકોર્ટમાં દાવો દાખલ કરાયો છે. આ કેસમાં અમિતાભ બચ્ચને પોતાના વ્યક્તિત્વના અધિકારોની સુરક્ષાની માંગણી કોર્ટ સમક્ષ કરી છે. બિગ બીએ પોતાની ઈમેજ, વ્યક્તિત્વના લક્ષણો, અવાજ અને નામને બચાવવા માટે આ પગલું ભર્યું છે. અરજી દાખલ થયા બાદ વકીલ હરીશ સાલ્વેએ જસ્ટિસ નવીન ચાવલા સમક્ષ અમિતાભ બચ્ચન વતી દલીલ કરી હતી અને તમામ દલીલો સાંભળ્યા અને સમજ્યા બાદ કોર્ટે અમિતાભ બચ્ચનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
કોર્ટે આપ્યો આ આદેશ
બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનને મોટી રાહત આપતા કોર્ટે શુક્રવારે વચગાળાનો મનાઈ હુકમ આપ્યો છે. આ ચુકાદા મુજબ અમિતાભ બચ્ચનની પરવાનગી વિના તેમની તસવીર અને અવાજનો ઉપયોગ કરી શકાશે નહીં. દિલ્હી હાઈકોર્ટે અભિનેતાના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન કરનારાઓ પર રોક લગાવવા આ ચુકાદો આપ્યો છે.
જસ્ટિસ નવીન ચાવલાએ પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે “અમિતાભ બચ્ચન એક જાણીતું વ્યક્તિત્વ છે. તેમના અવાજ અને તેમના નામનો ઉપયોગ વિવિધ જાહેરાતોમાં (Advertisement) કરવામાં આવે છે. પરંતુ હવે, અમિતાભ બચ્ચનની પરવાનગી વિના તેમના ફોટા, અવાજ કે ઈમેજનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ પોતાનો સામાન વેચવા તેના પ્રચાર માટે ઉપયોગ કરી શકશે નહીં.”
વ્યક્તિત્વ અધિકાર શું છે?
વ્યક્તિત્વના અધિકારો, જેને પ્રચારનો અધિકાર પણ કહેવાય છે, તે વ્યક્તિ માટે તેની ઓળખના વ્યવસાયિક ઉપયોગને નિયંત્રિત કરવાનો અધિકાર છે, જેમ કે નામ અને છબી. કોર્ટે સત્તાવાળાઓ અને ટેલિકોમ સેવા પ્રદાતાઓને અમિતાભ બચ્ચનના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન કરતી સામગ્રીને દૂર કરવા માટે પણ નિર્દેશો જારી કર્યા છે.