National

દિલ્હી ફરી ગેસ ચેમ્બર બન્યું, 18 વિસ્તારોમાં AQI 400ને પાર નોધાયો

દિલ્હીમાં હવાના પ્રદૂષણની સ્થિતિ ફરી એકવાર ગંભીર બની છે. આજે 13 ડિસેમ્બર શનિવારે સવારે રાજધાનીમાં ઘાટું ધુમ્મસ અને સ્મોગ જોવા મળ્યું. જેના કારણે સમગ્ર શહેર ગેસ ચેમ્બર જેવું લાગ્યું હતું. સતત બગડતી હવાની ગુણવત્તાના કારણે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) આજે શનિવારે 387 નોંધાયો જે ‘ગંભીર’ શ્રેણીની નજીક છે. પ્રદૂષણ સાથે ધુમ્મસ ઉમેરાતા સામાન્ય જનજીવન પર મોટી અસર પડી છે. તેમજ 18 જેટલા વિસ્તારમાં AQI 400 પાર કરી ગયું.

જોકે આ અઠવાડિયાની શરૂઆતમાં AQIમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. મંગળવારે નવ દિવસ બાદ સરેરાશ AQI 282 નોંધાયો હતો જે ‘ખરાબ’ શ્રેણીમાં આવે છે. ત્યારબાદ બુધવારે સ્થિતિમાં થોડો વધુ સુધારો થયો અને AQI 259 સુધી ઉતર્યો હતો.

જોકે આ રાહત ટૂંકી સાબિત થઈ. ગુરુવારે AQI ફરી વધીને 307 થયો અને શુક્રવારે તે 349 સુધી પહોંચી ગયો. શનિવારે પ્રદૂષણનું સ્તર વધુ વધી જતાં દિલ્હી ફરી ‘ગંભીર’ સ્થિતિ તરફ ધકેલાઈ ગયું છે.

દિલ્હીના 18 વિસ્તારોમાં AQI 400ને પાર
વજીરપુરમાં AQI 443, જહાંગીરપુરીમાં 439, વિવેક વિહારમાં 437, અશોક વિહારમાં 431, નહેરુ નગરમાં 421 અને ચાંદની ચોકમાં 412 નોંધાયો છે. આ ઉપરાંત કુલ 18 વિસ્તારોમાં AQI 400ને પાર કરી ગયો છે. જે અત્યંત જોખમી સ્તર માનવામાં આવે છે.

IGI એરપોર્ટ પર એલર્ટ
ખરાબ હવામાન અને સ્મોગના કારણે IGI એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સવારના સમયે હળવા ધુમ્મસ સાથે ઘાટા સ્મોગના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી હતી. જેના કારણે ફ્લાઇટ પર પણ અસર થવાની શક્યતા છે.

ડૉક્ટર્સની સલાહ
ડૉક્ટર્સે ચેતવણી આપી છે કે આવી ઝેરી હવા આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે. પ્રદૂષણના કારણે શ્વાસની ગંભીર સમસ્યાઓ, અસ્થમાના કેસોમાં વધારો, હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ વધી રહ્યું છે. આ સાથે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ પર પણ તેની નકારાત્મક અસર પડી શકે છે.

ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારીઓથી પીડિત લોકો માટે વધારે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

Most Popular

To Top