નવી દિલ્હી: ભારતના (India) નેતૃત્વમાં 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં (New Delhi) G-20 સમિટનું (G20 Summit) આયોજન ચાલી રહ્યું છે. જેને લઈને દિલ્હીમાં ડેકોરેશન અને સુરક્ષાથી (Security) લઈને મહેમાનોના રહેવા સુધીની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. દેશની રાજધાની નવી દિલ્હી જી-20 સમિટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મહેમાનોની સુરક્ષાથી લઈને તેમના ભોજન અને રહેવાની વ્યવસ્થા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંદર્ભે નવી દિલ્હીના વિસ્તારોને શણગારવામાં આવ્યા છે. સાથે જ મેટ્રો અને ટ્રાફિકને લઈને પણ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
દિલ્હીમાં મહેમાનોની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. G-20 સમિટ પહેલા, દિલ્હી પોલીસે (Police) સુરક્ષાના કારણોસર 29 ઓગસ્ટથી 12 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં પેરાગ્લાઈડર, હેંગ-ગ્લાઈડર્સ અને હોટ એર બલૂન્સ જેવા પેટા-પરંપરાગત એરિયલ પ્લેટફોર્મના ઉડ્ડયન પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હીમાં યોજાનારી G-20 કોન્ફરન્સને કારણે સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. સ્થળોને ફૂલપ્રૂફ બનાવવા માટે સુરક્ષા દળો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મોડ્યુલનો ઉપયોગ કરી રહ્યા છે. સુરક્ષાના કારણોસર દિલ્હીમાં 50 હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. G-20 સમિટની સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓ માટે ખાસ યુનિફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે દિલ્હીમાં એન્ટી ટેરર સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવશે.
એટલું જ નહીં દિલ્હી પર આકાશમાંથી પણ નજર રાખવામાં આવશે. આ માટે વાયુસેના અને ભારતીય સેનાના હેલિકોપ્ટર સતત આકાશમાં ચક્કર લગાવશે. આ હેલિકોપ્ટરમાં આર્મી અને NSG કમાન્ડો દરેક સમયે હાજર રહેશે. તેમજ દુકાનો, વ્યવસાયો અને અન્ય સંસ્થાઓને બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય ભારતીય રેલ્વેએ ઘણી ટ્રેનો કેન્સલ અને ડાયવર્ઝન વિશે પણ માહિતી આપી છે. ભારતીય રેલ્વેએ G20 સમિટને કારણે 200 ટ્રેનો રદ કરવાની માહિતી આપી છે.
આ સિવાય દિલ્હીમાં G20 સમિટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અને ખાનગી ઓફિસો, શૈક્ષણિક સંસ્થાઓ, બેંકો અને નાણાકીય સંસ્થાઓ પણ બંધ રહેશે. G20 દરમિયાન ઘણા રસ્તાઓ બંધ રહેશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જારી કરી છે. 8 થી 10 સપ્ટેમ્બર સુધી VVIP રૂટ દરમિયાન ઘણા મેટ્રો સ્ટેશનો પણ બંધ રહેશે. જેમાં મધ્ય દિલ્હીથી દક્ષિણ દિલ્હી સુધીના સ્ટેશનોનો સમાવેશ થાય છે. જો કે મેટ્રો સેવા ખોરવાઈ નહીં અને સંપૂર્ણ રીતે ચાલતી રહેશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન સંપૂર્ણપણે બંધ રહેશે, કારણ કે તે G20 સમિટની સૌથી નજીકનું મેટ્રો સ્ટેશન છે.