તમિલનાડુના કુન્નરમાં (Kunnar) દુર્ઘટનાગ્રસ્ત થયેલા એરફોર્સના હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મૃત્યુ થયા હતાં. બુધવારની આ ઘટના બાદ ડોકટરની ટીમે સીડીએસ રાવત, તેમના પત્ની મધુલિકા અને બ્રિગેડિયર એલએસ લિદ્દર સહિત 4 મૃતદેહની ઓળખ કરી હતી. ત્યારબાદ તેઓના પાર્થિવ દેહ રાત્રે 8 કલાકે સુલુર એરબેસથી દિલ્હી (Delhi) લાવવામાં આવ્યા હતા. રાત્રે 9 કલાકે પાલમ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, રક્ષા રાજય મંત્રી અજય ભટ્ટ તેમજ એનએસએ અજીત ડોભાલ સહિત NSA અને ત્રણેય સેનાના પ્રમુખોએ શ્રઘ્ઘાજંલિ આપી હતી. બિપિન રાવતનાં શુક્રવારના રોજ સૈન્ય સમ્માન સાથે દિલ્હીમાં અંતિમ સંસ્કાર (Funeral) કરવામાં આવશે. સીડીએસ બિપિન રાવતના પાર્થિવ દેહને શુક્રવારે સવારે 11થી 2 વાગ્યા સુધી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ કામરાજ માર્ગથી બેરાર ચોકડી સુધી અંતિમયાત્રા કાઢવામાં આવશે. દિલ્હી કેન્ટોન્મેન્ટમાં તેઓના અંતિમ સંસ્કાર થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ CDS બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ પાલમ એરપોર્ટ પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ પીએમ મોદીએ CDSને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને NSA અજીત ડોભાલ પણ હાજર હતા. તેમજ પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન દરેકની આંખો ભીની રહી હતી. આ પહેલા રાજનાથ સિંહ અને NSA અજિત ડોભાલ અહીં શહીદોના પરિવારને મળીને તેમની સાથે વાતચીત કરી હતી.
CDS રાવતની બંને પુત્રીઓ પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી. બંનેએ માતા-પિતાના પાર્થિવ શરીરને પ્રણામ કરી તાબૂત સમક્ષ માથું નમાવ્યું હતું. જનરલ રાવતની મોટી પુત્રીનું નામ કીર્તિકા છે. તેમની પુત્રી કીર્તિકાના લગ્ન થઈ ગયા છે અને હાલ તે મુંબઈમાં રહે છે. નાની દીકરીનું નામ તારિણી છે, જે દિલ્હી હાઈકોર્ટમાં વકીલ છે અને પ્રેક્ટિસ કરી રહ્યાં છે.
આ પહેલાં નીલગીરીના મદ્રાસ રેજિમેંટલ સેંટરથી સુલુર એેરબેસ સુઘી તેઓના પાર્થીવ શરીર લાવતા સમય દરમ્યાન તેઓના અંતિમ દર્શન કરવા ત્યાંના સ્થાનિક લોકો તેમજ આસપાસના ગામના લોકોની ભીડ ઉમટી પડી હતી. લોકોએ ફૂલથી શ્રઘ્ઘાંજલી આપી હતી સાથે ભારત માતાકી જય ના નારા બોલાવ્યા હતા. બિપિન રાવતના ગામ સૈણ ખાતે પણ તેઓ અને તેમની પત્નીને શ્રધ્ધાજંલિ આપવામાં આવશે. આ ગામમાં તેઓના કાકાનો પરિવાર વસવાટ કરી રહ્યો છે. બિપિન રાવતના મૃત્યુના સમાચાર મળ્યાં બાદ તેઓના કાકા ભરત સિંહ રાવત તેમજ તેઓનો આખો પરિવાર સદમામાં આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી 2021નાં રોજ સૈણ ગામના લોકોએ તોએના સીડીએસ બનવા પર ઉજવણી કરી હતી.