National

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડી, AIIMSના ઈમરજન્સી વિભાગમાં દાખલ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડતા તેમને ગુરુવારે સાંજે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું કે 92 વર્ષીય મનમોહન સિંહની હાલત નાજુક છે. તેમણે કહ્યું કે સિંહને હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે મનમોહન સિંહ 26 સપ્ટેમ્બરના રોજ 92 વર્ષના થયા હતા અને આ અવસર પર તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય ઘણા નેતાઓએ અભિનંદન પાઠવ્યા હતા.

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા મનમોહન સિંહની તબિયત લથડતા તેમને દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, AIIMS પ્રશાસન હજુ સ્પષ્ટપણે કંઈ કહી રહ્યું નથી. પરંતુ ઈમરજન્સી વિભાગના એક ડોક્ટરનું કહેવું છે કે તેમને એલર્ટ મોડ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફ સૂત્રોએ જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે તેમની તબિયત અચાનક બગડી હતી. 92 વર્ષીય પૂર્વ વડાપ્રધાનને AIIMS હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. તેમના હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ હાલ જાણી શકાયું નથી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાજુર્ગન ખડગે કર્ણાટકના બેલગાવીથી દિલ્હી પરત ફરી રહ્યા છે. ડૉ.મનમોહન સિંહની દીકરી AIIMSમાં હાજર છે. પ્રિયંકા ગાંધી વાડ્રા એઈમ્સ દિલ્હી પહોંચ્યા છે. સોનિયા ગાંધી પણ થોડીવારમાં પહોંચી જશે.

ગાહમાં થયો હતો જન્મ, જે હવે પાકિસ્તાનનો ભાગ છે
કોંગ્રેસે મનમોહન સિંહને દૂરંદેશી રાજનેતા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમનું યોગદાન ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. તમને જણાવી દઈએ કે મનમોહન સિંહનો જન્મ 1932માં પંજાબના ગાહ ગામમાં થયો હતો જે હવે પાકિસ્તાનનો ભાગ છે. ભાગલા સમયે તેમનો પરિવાર પાકિસ્તાનથી ભારત આવ્યો હતો. મનમોહન સિંહે 2004 થી 2014 સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી પછી તેઓ ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન છે. આ સિવાય તેઓ ભારતીય રાજકારણમાં વડાપ્રધાન પદ સુધી પહોંચનાર એકમાત્ર શીખ રાજનેતા છે.

1987માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને 1987માં રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાઓ બદલ પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય 2010માં તેમને સાઉદી અરેબિયા દ્વારા ‘ઓર્ડર ઓફ કિંગ અબ્દુલ અઝીઝ’ અને 2014માં તેમને જાપાન દ્વારા ‘ઓર્ડર ઓફ ધ પાઉલોનિયા ફ્લાવર્સ’થી નવાજવામાં આવ્યા હતા. તાજેતરમાં જ શીખ સંગઠન ‘નામધારી સંગત સેવા સમિતિ’એ પણ ભારત સરકારને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ભારત રત્નથી સન્માનિત કરવાની અપીલ કરી હતી.

Most Popular

To Top