દિલ્હી: દિલ્હીમાં (Delhi) મુંડકાની એક ઈમારતમાં લાગેલી આગ (Fire) ઓલવાઈ પણ નથી ને રાજધાનીના નરેલામાં આગની વધુ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ નરેલામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ સાથે ફાયર બ્રિગેડની 27 ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. આગ ખૂબ જ ભીષણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફેક્ટરીની અંદર મજૂરો ફસાયેલા હોવાની વાત પણ મળી આવી છે તેથી એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી મુજબ ફાયર કર્મચારીઓએ આગ ઉપર રાત્રિના સમયે જ કાબૂ મેળવી લીધો હતો પરંતુ ફેકટરીમાં અંદર નાના-નાના કપડાના ટુકડા પડયા હતા. આ ટુકડાઓ ઉપર લાગેલી આગ ન ઓલવાવાના કારણે ફરી એકવાર આગ આ ફેકટરીમાં ફાટી નીકળી હતી. જો કે કોઈ પણ જાતની જાનહાનિની માહિતી મળી આવી નથી.
રાજધાનીના નરેલામાં આજરોજ આગની ધટનાના એક દિવસ અગાઉ એટલેકે શુક્રવારનાં રોજ મુંડકાના મેટ્રો સ્ટેશન પાસેની ઈમારતમાં આગ લાગી હતી. જેમાં 27 લોકોના મોત થયાની માહિતી મળી હતી. મૃત્યુ પામેલ તમામના મૃતદેહો મળી આવ્યા છે. આ અકસ્માત એટલો દર્દનાક હતો કે મૃતકોની લાશની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી હતી. મુંડકા અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની પણ જાણકારી મળી આવી છે. આ ઈમારતમાં પહેલા માળે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું. બીજા માળે વેરહાઉસ હતું અને ત્રીજા માળે લેબ હતી. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે સૌથી વધુ મૃત્યુ બીજા માળે થયાં હતાં.
મુંડકા અકસ્માતમાં આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી, જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર ઉત્પાદક કોફે ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ હતી. આગને કાબુમાં લેવા માટે 30 થી વધુ ફાયર ટેન્ડરોને કામે લગાડવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે એનડીઆરએફની દિલ્હી ફાયર સર્વિસની ટીમો બચાવ કાર્યમાં લાગેલી હતી. ઈમારતમાં પ્રવેશવાનો એક જ રસ્તો હતો, તેથી બચાવ ટુકડીઓ દિવાલના છિદ્ર દ્વારા ઈમારતમાં પ્રવેશી હતી. આ પછી કાચની બારીઓ તોડી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા.