સુરત: ડિરેક્ટર જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમેડિઝ (DGTR) દ્વારા પોલિસ્ટર સ્પન યાર્ન (Polyster spun yarn) પર 20 ટકા એન્ટી ડમ્પિંગ ડયુટી લાગુ કરવાની ભલામણ કર્યાને 90 દિવસનો સમય વીતી જતા કેન્દ્રના નાણા મંત્રાલયે આ મામલે ટેક્સટાઇલ મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલયને DGTRના ચૂકાદાનો અભ્યાસ કરી ટેક્સટાઇલ સેક્રેટરી યુપી.સિંઘને સ્પિનર્સ અને વિવર્સને અલગ અલગ સાંભળવા જણાવ્યું હતું અને ગઇકાલે બંને સંગઠનોને તાત્કાલિક દિલ્હી તેડાવ્યા હતા. PSY યાર્ન બનાવનાર દેશના 8 સ્પિનર્સનો દાવો હતો કે ચીન, ઇન્ડોનેશિયા, નેપાળ અને વિયેટનામથી મોટા પ્રમાણમાં યાર્ન ઇમ્પોર્ટ થઇ રહ્યું છે તેને લીધે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને મોટુ નુકશાન થઇ રહ્યું છે.
- ટેક્સટાઇલ સેક્રેટરી સમક્ષ સ્પિનર્સની રાવ, આયાતી યાર્ન મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ થતું હોવાથી ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીયલને નુકશાન થઇ રહ્યું છે
- બીજી તરફ વિવિંગ સંગઠનોએ યાર્ન ઉત્પાદક કંપનીઓની નફા સાથેની બેલેન્શીટ મુકી સ્પિનર્સને નુકશાન નહીં થતું હોવાનો દાવો કર્યો
સ્પિનર્સ દ્વારા આયાતી યાર્નના આંકડા અને નુકશાનીના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ફિઆસ્વી, ફોગવા અને પાંડેસરા વિવર્સ કો.ઓ. સોસાયટી દ્વારા આયાતી યાર્નના પોર્ટ પરના આંકડા રજૂ કરી એવી રજૂઆત કરવામાં આવી હતી કે સ્પેશિયલાઇઝ યાર્ન હોવાથી વર્ષે 12.46 ટકા યાર્ન જ ઇમ્પોર્ટ થાય છે. નાણા મંત્રાલયની જોગવાઇ પ્રમાણે 20 ટકાથી યાર્ન ઇમ્પોર્ટ થતું હોય તો જ એન્ટિ ડમ્પિંગ ડયુટી લાગુ પડી શકે છે.
વિવર્સ અગ્રણી આશિષ ગુજરાતી અને મયુર ગોળવાળા અને રજૂઆત કરી હતી કે PSY યાર્ન ઉત્પાદક કંપનીઓએ કંપની રજિસ્ટ્રારમાં જે આંકડાઓ અને બેલેન્શીટ રજૂ કરી છે. તેમાં એકપણ કંપનીએ ખોટ દર્શાવી નથી એટલુ જ નહીં 18 થી 44 ટકા સુધીનો નફો પણ દર્શાવ્યો છે. તે દર્શાવે છે કે PSY યાર્નના ઇમ્પોર્ટ થવાથી સ્થાનિક વિવર્સને કોઇ મોટુ નુકશાન થયું નથી. 2018માં 331 કરોડની ઓપરેટીંગ ઇન્કમ હતી તે 2019માં વધીને 389 કરોડ થઇ છે. બીજી તરફ તમામ ડેનીયરમાં 18 રૂ. અને 40 કાઉન્ટના યાર્નમાં 44 રૂ.નો ભાવ જુલાઇથી નવેમ્બર માસ દરમિયાન વધ્યો છે.
20 ટકા એન્ટી ડમ્પિંગ ડયુટી લાગશે તો 4.5 લાખ પાવરલૂમ વર્કરોને અસર થશે
ફિઆસ્વી વતી રજૂઆત કરનાર વિવર્સ અગ્રણી મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે PSY યાર્નના ઉપયોગ થકી 4.5 લાખ પાવરલૂમ પર સુરત, ભીવંડી, માલેગાવ, નવાપુર અને ઉમરગામ સહિત દેશભરમાં ફેબ્રિક્સ બને છે વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 14 હજાર કરોડનું મૂડી રોકાણ આ ક્ષેત્રમાં કરવામાં આવ્યું છે. જેમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન 3 લાખ કારીગરોને નવી રોજગારી મળી છે. જો 20 ટકા ઇમ્પોર્ટ ડયુટી લાગશે તો યાર્ન મોંઘુ થશે સ્પિનર્સ કાર્ટેલ રચિને યાર્નનો કૃત્રિમ ભાવવધારો કરશે. તે સ્થિતિમાં વિવર્સ અને લાખો કામદારોની રોજી રોટીને અસર થશે.