National

દિલ્હી: ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખી કેજરીવાલ સરકારને બરતરફ કરવાની માંગ કરી

દિલ્હીમાં ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને કેજરીવાલ સરકારને બરતરફ કરવાની માંગ કરી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે આ પત્ર ગૃહ મંત્રાલયને મોકલ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે. આવી સ્થિતિમાં અનેક સરકારી કામો અટવાઈ પડ્યા છે. ફાઇલો પર સહી કરવામાં તેઓ અસમર્થ છે. આ પત્ર પર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તા સહિત 7 અન્ય ધારાસભ્યો અને એક પૂર્વ ધારાસભ્યના હસ્તાક્ષર છે.

રાષ્ટ્રપતિના સચિવાલયે આની નોંધ લીધી છે. રાષ્ટ્રપતિ સચિવાલયના ડિરેક્ટર શિવેન્દ્ર ચતુર્વેદીએ વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાને પત્ર મોકલ્યો છે. લખવામાં આવ્યું છે કે ભાજપના ધારાસભ્યો 30 ઓગસ્ટે રાષ્ટ્રપતિને મળ્યા હતા અને તેમને મેમોરેન્ડમ આપ્યું હતું. તેની નોંધ લેતા તેને યોગ્ય કાર્યવાહી માટે ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી છે.

જણાવી દઈએ કે માર્ચમાં ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ન હતું. તેઓ જેલમાંથી જ સરકાર ચલાવી રહ્યા છે. જો કે આ દરમિયાન કેજરીવાલને સીએમ પદેથી હટાવવાનો મામલો બે વખત કોર્ટમાં પણ પહોંચ્યો હતો. કેજરીવાલની ED દ્વારા 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ CBIએ ભ્રષ્ટાચારના કેસમાં 26 જૂને તિહાર જેલમાંથી તેમની ધરપકડ કરી હતી.

12 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ED કેસમાં વચગાળાના જામીન આપ્યા હતા, પરંતુ તેઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે. સીબીઆઈ કેસમાં તેમની ધરપકડને પડકારતી તેમની અરજી પર સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

આતિશીએ ભાજપ પર કટાક્ષ કર્યો
બીજી તરફ દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે ભાજપે દિલ્હીની આગામી ચૂંટણીમાં હાર સ્વીકારી લીધી છે. ભાજપ પાછલા બારણે કેજરીવાલ સરકારને બરતરફ કરવા માંગે છે. ભાજપનું એકમાત્ર કામ ચૂંટાયેલી સરકારને પછાડવાનું છે. ભાજપ મુખ્યમંત્રી કેજરીવાલથી ડરે છે. કેજરીવાલે દિલ્હીની જનતાની સેવા કરી છે. આ ભાજપનું નવું ષડયંત્ર છે. દિલ્હી ચૂંટણીમાં બીજેપીને શૂન્ય સીટ મળશે.

Most Popular

To Top