દિલ્હીની એક કોર્ટે સોમવારે 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને તેમના પરિવાર સાથે એક વખત ફોન પર વાત કરવાની મંજૂરી આપી છે. પટિયાલા હાઉસ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને પરિવાર સાથે વાત કરવાની દિલ્હી કોર્ટે મંજૂરી આપીકોર્ટે જણાવ્યું કે આ ફોન કોલ જેલના નિયમો અનુસાર અને તિહાર જેલના વરિષ્ઠ અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
ગયા મહિને રાણાએ કોર્ટમાં અરજી કર્યા બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા આ એક વખતના ફોન કોલ માટે મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટે જેલ અધિકારીઓ પાસેથી રાણાને ભવિષ્યમાં જેલ મેન્યુઅલ અનુસાર નિયમિત ફોન કોલની મંજુરી આપવા અંગે તેમની સ્થિતિ પર વિગતવાર અહેવાલ પણ માંગ્યો છે, જે 10 દિવસમાં સબમિટ કરવાનો રહેશે.
આ ઉપરાંત, કોર્ટે રાણાના આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો છે, જે 10 દિવસમાં રજૂ કરવાનો રહેશે. 64 વર્ષીય પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન રાણા જે હાલ તિહાર જેલમાં બંધ છે, તેણે 27 મેના રોજ દિલ્હીની કોર્ટમાં પોતાના પરિવાર સાથે વાત કરવાની મંજૂરી માંગી હતી.
રાણા 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય ષડયંત્રકાર ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગીલાની, જે અમેરિકન નાગરિક છે, તેનો નજીકનો સાથી છે. 4 એપ્રિલે અમેરિકન સુપ્રીમ કોર્ટે તેની પ્રત્યર્પણ સામેની સમીક્ષા અરજી ફગાવી દીધા બાદ રાણાને ભારત લાવવામાં આવ્યો હતો.
રાણા પર આરોપ છે કે તેણે હેડલી અને લશ્કર-એ-તૈયબા (LeT) તેમજ હરકત-ઉલ-જિહાદી ઇસ્લામી (HUJI)ના સંગઠનોના સભ્યો તેમજ પાકિસ્તાન આધારિત અન્ય ષડયંત્રકારો સાથે મળીને 2008માં ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ત્રણ દિવસના આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.
26 નવેમ્બર, 2008ના રોજ, 10 પાકિસ્તાની આતંકવાદીઓના જૂથે અરબી સમુદ્રના દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ કરીને રેલવે સ્ટેશન, બે લક્ઝરી હોટેલો અને એક યહૂદી કેન્દ્ર પર હુમલો કર્યો હતો. લગભગ 60 કલાકના આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા.