નવી દિલ્હી: દેશ(India)માં કોલસા(Cola)ની અછતનાં પગલે મોટું વીજ સંકટ(Power Crisis) સર્જાવવાનાં એંધાણ વર્તાઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાત(Gujarat), દિલ્હી(Delhi), મહારાષ્ટ્ર(Maharashtra), પંજાબ(Punjab), ઉત્તર પ્રદેશ(Uttar Pradesh), હરિયાણા(Haryana), ઉત્તરાખંડ(Uttarakhand), બિહાર(Bihar), ઝારખંડ(Jharkhand), મધ્યપ્રદેશ(Madhya Pradesh), કર્ણાટક(Karnataka) અને આંધ્રપ્રદેશ(Andhra Pradesh) જેવા રાજ્યો વીજ સંકટનો સામનો કરી રહ્યા છે. વીજળીની માંગ વધી રહી છે આ પરિસ્થિતિમાં દેશમાં ચોથા ભાગના પાવર પ્લાન્ટ બંધ છે. જેના પગલે વીજ સંકટ ઘેરૂ બન્યું છે. પરિણામે 16 રાજ્યોમાં 10 કલાક સુધી પાવર કાપ મુકાયો છે. સરકારી રેકોર્ડ મુજબ, દેશભરમાં 10 હજાર મેગાવોટ એટલે કે 15 કરોડ યુનિટનો કાપ થઈ રહ્યો છે, પરંતુ વાસ્તવમાં વીજળીની અછત ઘણી વધારે છે.
દેશમાં વીજ સંકટને લઈ લેવાયા આ નિર્ણયો
કોલસાની ગાડીઓ સમય સર સ્ટેશન પર પહોચી શકે તે માટે રેલ્વેએ 24 મે સુધી ઘણી પેસેન્જર ટ્રેનોને રદ્દ કરી દીધી છે. જેથી પાવર પ્લાન્ટ્સને કોલસાના ઝડપી સપ્લાય થાય. ભારતીય રેલવેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ કૃષ્ણ બંસલે જણાવ્યું હતું કે, ઘણી પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે. પરંતુ આ નિર્ણય હંગામી છે. સ્થિતિ સામાન્ય થતાંની સાથે જ સેવાઓ ફરી શરૂ થઈ જશે. આ નિર્ણય બાદ રેલ્વે તેના કાફલામાં વધુ એક લાખ કોચને ઉમેરવા જઈ રહી છે. આ ઉપરાંત રેલવે માલસામાનની ઝડપી અવરજવર માટે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પણ બનાવી રહ્યુ છે.
આ પેસેન્જર ટ્રેનો રદ કરાઈ
હંગામી રીતે રદ કરાયેલી ટ્રેનોમાં લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ 657 ટ્રેનોનો સમાવેશ થાય છે. આ સાથે રેલવે દ્વારા કોલસાના રેકનું એવરેજ દૈનિક લોડિંગ પણ 400થી વધારે કરાયું છે. આ આંકડો છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ છે. કોલસાના દરેક રેકમાં 3500 ટન કોલસો હોય છે. કોલસાની વર્તમાન માંગને પહોંચી વળવા રેલવે દરરોજ 415 કોલસાના રેકનું પરિવહન કરી રહી છે. જેથી કોલસાની વર્તમાન માંગને પુરી કરી શકાય.
પ્લાન્ટમાં 10 દિવસ જેટલો જ કોલસો બચ્યો છે: કોલસા મંત્રી
દેશમાં વકરી રહેલા વીજ સંકટ મામલે કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, રશિયાથી ગેસનો સપ્લાય ઠપ્પ થઈ ગયો છે. જોકે, થર્મલ પાવર પ્લાન્ટમાં 21 મિલિયન ટન કોલસાનો સ્ટોક છે. જે દસ દિવસ પૂરતું છે. કોલ ઈન્ડિયા સહિત ભારતમાં કુલ 30 લાખ ટનનો સ્ટોક છે. આ 70 થી 80 દિવસનો સ્ટોક છે. જો કે હાલની સ્થિતિ સ્થિર છે. હાલમાં, 2.5 અબજ યુનિટના દૈનિક વપરાશની સામે, લગભગ 3.5 અબજ યુનિટ વીજળીનું ઉત્પાદન થાય છે, એમ તેમણે જણાવ્યું હતું. જો કે છેલ્લા દિવસોમાં ગરમીની સાથે સાથે વીજળીની માંગમાં પણ વધારો થયો છે. અમારી પાસે 10-12 દિવસનો કોલસો છે. જો કે તે પછી પણ પાવર પ્લાન્ટ બંધ થવાની કોઈ શક્યતા નથી.
રાજધાનીમાં વીજ સંકટને લઈ કેન્દ્રને પત્ર
દિલ્હીમાં કોલસાની અછત અને વીજ સંકટને લઈ દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને એક ઈમરજન્સી બેઠક યોજી હતી.
તેઓએ સમગ્ર પરિસ્થિતિનું મુલ્યાંકન કરી આ સંકટને લઈ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ દિલ્હીમાં વીજળી સપ્લાય કરતા પાવર પ્લાન્ટ માટે કોલસાની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. સત્યેન્દ્ર જૈનએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં 25-30 ટકા વીજળીની માંગ આ પાવર સ્ટેશનો દ્વારા પૂરી કરવામાં આવે છે, અને તેઓ કોલસાની અછતનો સામનો કરે છે. તેમણે કહ્યું કે સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને લોકોને વીજ સંકટનો સામનો ન કરવો પડે તે માટે દરેક શક્ય પ્રયાસો કરાઈ રહ્યા છે.
મેટ્રો ટ્રેન અને હોસ્પિટલોને પણ થશે અસર
દિલ્હી સરકારે ચેતવણી આપી છે કે રાજધાનીને વીજળી સપ્લાય કરતા પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછત છે. આવી સ્થિતિમાં, મેટ્રો ટ્રેન અને હોસ્પિટલો સહિત તમામ મહત્વપૂર્ણ સંસ્થાઓને વીજળી પહોંચાડવામાં સમસ્યા આવી શકે છે. ઉર્જા મંત્રીએ કહ્યું કે, આ પાવર સ્ટેશન દિલ્હીના કેટલાક ભાગોમાં અંધારપટ રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉનાળામાં મેટ્રો, હોસ્પિટલો અને લોકોને સતત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પણ આ સ્ટેશનો આવશ્યક છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)ના દાદરી-II અને ઝજ્જરની સ્થાપના મુખ્યત્વે દિલ્હીમાં વીજળીની જરૂરિયાત પૂરી કરવા માટે કરવામાં આવી હતી, એમ નિવેદનમાં જણાવાયું છે. પરંતુ હવે આ પાવર પ્લાન્ટમાં કોલસાનો ખૂબ જ ઓછો જથ્થો બચ્યો છે.