National

કેજરીવાલની ધરપકડ બાદ વિપક્ષ એક મંચ પર, ‘INDI’ ગઠબંધનની 31 માર્ચે રામલીલા મેદાનમાં મહા રેલી

દિલ્હી લિકર પોલિસી કેસમાં 21 માર્ચે ધરપકડ કરાયેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે. દરમિયાન I.N.D.I ગઠબંધન જૂથના (INDI Alliance) નેતાઓએ કેજરીવાલની ધરપકડને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં 31 માર્ચે રામલીલા મેદાનમાં (Ramleela Maidan) ગઠબંધનના તમામ પક્ષો દ્વારા ભવ્ય રેલીના આયોજનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે આ રેલી પોલિટિકલ રેલી નહીં પણ ભારતના લોકતંત્રને બચાવવા માટેનું આહ્વાન કરવા માટે યોજવામાં આવશે. ઇન્ડી ગઠબંધનના તમામ નેતા આ રેલીને સંબોધિત કરશે.

આમાં AAP નેતા ગોપાલ રાયે કહ્યું કે કેન્દ્ર સરકાર ધારાસભ્યોનો વેપાર કરીને અને લોકોને ડરાવીને સમગ્ર વિપક્ષને ડરાવી રહી છે. જેઓ ઝૂકવા તૈયાર નથી અને ડરતા નથી તેવા લોકો સામે નકલી કેસ દાખલ કરીને તેમની ધરપકડ કરી રહ્યા છે. ગોપાલ રાયે કહ્યું કે જો મુખ્યમંત્રીની ધરપકડ થઈ શકે છે તો કોણ અવાજ ઉઠાવશે. આટલી મોટી પાર્ટીનું એકાઉન્ટ જપ્ત કરી શકાય છે તો જે પણ બિઝનેસમેન તેમને દાન નહીં આપે તેનું એકાઉન્ટ જપ્ત કરવામાં આવશે. દરેકનો અવાજ દબાવી દેવામાં આવશે. તેમની સામેની લડાઈને ઉગ્ર બનાવવા માટે આખું દિલ્હી 31મીએ સવારે 10 વાગ્યે દિલ્હીના રામલીલા મેદાનમાં એકત્ર થશે.

AAP નેતા આતિશીએ કહ્યું કે 31 માર્ચે રામલીલા મેદાનમાં યોજાનારી INDI ગઠબંધનની ‘મહા રેલી’ અરવિંદ કેજરીવાલને બચાવવા માટે નહીં પરંતુ લોકશાહીને બચાવવા માટે યોજવામાં આવી રહી છે. વિપક્ષ એકતરફી હુમલાઓનો સામનો કરી રહ્યો છે. જેની સામે અવાજ ઉઠાવવા આ રેલીનું આયોજન કરાયું છે.

દિલ્હી કોંગ્રેસના પ્રમુખ અરવિંદર સિંહ લવલીએ કહ્યું કે આ રેલી રાજકીય રેલી નહીં હોય. આ રેલી ભારતના લોકતંત્રને બચાવવા માટે લડત આપવાનું આહ્વાન હશે. પ્રેસ કોન્ફરન્સમાં AAP નેતા ગોપાલ રાયે કહ્યું કે સરકાર કહી રહી છે કે કેજરીવાલની ધરપકડ એટલા માટે કરવામાં આવી કારણ કે તેણે ભ્રષ્ટાચાર કર્યો હતો. તેમના આરોપોને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા.

AAPના નેતા સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે ભાજપે ઈલેક્ટોરલ બોન્ડ પાછળ છુપાઈને એક્સાઈઝ પોલિસી કેસના સૌથી મોટા કિંગપિન શરદ ચંદ્ર રેડ્ડી પાસેથી લગભગ 60 કરોડ રૂપિયા લીધા હતા. અમે આરોપો નથી લગાવી રહ્યા, અમે હકીકતો જણાવી રહ્યા છીએ અને અમે પુરાવા બતાવ્યા છે. શરદચંદ્ર રેડ્ડીની ધરપકડ બાદ ભાજપે આ 55 કરોડ રૂપિયાનું દાન લીધું હતું. જણાવી દઈએ કે કેજરીવાલની ધરપકડ પછી આમ આદમી પાર્ટીએ આજે તેની પ્રથમ મોટી બેઠક યોજી રહી છે. પાર્ટીના મહાસચિવ સંદીપ પાઠક આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં પાર્ટીની ભાવિ રણનીતિ નક્કી કરવામાં આવી હતી.

Most Popular

To Top