દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હી દારૂ કૌભાંડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા છે. મળતી માહિતી મુજબ કેજરીવાલને 1 લાખ રૂપિયાના જામીન બોન્ડ પર આ જામીન મળ્યા છે.
રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવાર 20 જૂને રાત્રે 8 વાગ્યે દિલ્હી લિકર પોલિસી કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. તે શુક્રવારે જેલમાંથી બહાર આવી શકે છે. બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જામીન સામે અપીલ કરવા માટે 48 કલાકનો સમય માંગ્યો છે. કોર્ટે કહ્યું કે આવતીકાલે ડ્યુટી જજ સમક્ષ આ દલીલો થઈ શકે છે. અગાઉ EDએ કોર્ટને કહ્યું હતું કે જામીન પર 48 કલાકનો સ્ટે લાદવો જોઈએ પરંતુ વેકેશન બેન્ચે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. કેજરીવાલને જામીન મળવા પર દિલ્હીના મંત્રી આતિષીએ ‘સત્યમેવ જયતે’ કહ્યું હતું.
કેજરીવાલ આવતીકાલે બહાર આવી શકે છે
આ પહેલા 19 જૂનના રોજ કોર્ટે અરવિંદ કેજરીવાલની નિયમિત જામીન અરજીને ફગાવી દીધી હતી. સુનાવણી બાદ રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી હતી. જો કે આજે ગુરુવારે 20 જૂને કોર્ટે કેજરીવાલને રાહત આપી હતી અને તેમને 1 લાખ રૂપિયાના જામીન બોન્ડ પર જામીન આપ્યા હતા. મળતી માહિતી મુજબ કેજરીવાલ શુક્રવારે તિહાર જેલમાંથી બહાર આવી શકે છે.
મળતી માહિતી અનુસાર વિશેષ ન્યાયાધીશ જસ્ટિસ બિંદુએ અરવિંદ કેજરીવાલના જામીનના આદેશ પર 48 કલાક માટે રોક લગાવવાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતીને પણ ફગાવી દીધી હતી. કેજરીવાલ દ્વારા નિયમિત જામીન માટે દાખલ કરવામાં આવેલી અરજી પર ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજે આ આદેશ આપ્યો હતો.
બીજી તરફ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓમાં ખુશીની લહેર છે. કેજરીવાલને જામીન મળ્યા બાદ દિલ્હી સરકારના મંત્રી આતિશીએ X પર ટ્વીટ કર્યું અને લખ્યું કે સત્યમેવ જયતે. એવું માનવામાં આવે છે કે કેજરીવાલ ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવી શકે છે.